
સાબરકાંઠા LCBએ પાંચ પોલીસ સ્ટેશનમાં આઠ ગુનાના ભેદ ઉકેલી રૂ 2.13 લાખનો મુદ્દામાલ રીકવર કર્યો
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા બે મહિનામાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં વાહનોના કાચ તોડી, વાહન ઉપર ઓઈલ નાખી તથા રોડ પર પૈસા નાખી નજર ચૂકવી ચોરીના બનાવોને અંજામ આપવામાં આવતો હતો. જેને લઈને સ્થળ મુલાકાત બાદ CCTV ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સ કરતા બનાવો કોઈ ગેંગ દ્વારા કરવામાં આવતા હોવાને લઈને LCB સ્ટાફ રવિવારે પેટ્રોલિંગમાં હતો દરમિયાન મળેલ બાતમી આધારે નાયડુ ગેંગના પાંચ શખ્સોને ઝડપી લીધા હતા. તેમની પાસેથી રૂ.2.13 લાખનો મુદ્દામાલ રીકવર કરી આઠ ગુનાનો ભેદ ઉકલીને ફરાર એક ને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે.આ અંગે સાબરકાંઠા LCBના PI એ.જી.રાઠોડે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, LCB સ્ટાફ પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન બે મહિનાથી અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ મોડાસ ઓપરેન્ડીથી ચોરીના બનાવોને અંજામ આપતી નાયડુ ગેંગ સામે આવી હતી.
જેને લઈને ગેંગના ત્રણ શખ્સો પ્રાંતિજથી હિંમતનગર તરફ આવતા ત્રણ બાઈક પર ગુનાને અંજામ આપવા માટે આવતા હોવાને લઈને પાંચ શખ્સોને LCB એ કાટવાડ પાસેથી ત્રણ બાઈક સાથે ઝડપી લીધા હતા. ત્યાર બાદ પૂછપરછ દરમિયાન કાચ તોડી, વાહન ઉપર ઓઈલ નાખી તથા રોડ પર પૈસા નાખી નજર ચૂકવી ચોરી કરતા હોવાનું કબુલ્યું હતું.તો સાબરકાંઠાના હિંમતનગર-બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં બે, પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં બે, ઇડર પોલીસ સ્ટેશનમાં એક, ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં બે અને વડાલી પોલીસ સ્ટેશનમાં એક મળી આઠ ગુના કર્યાની કબૂલાત કરી હતી.આ નાયડુ ગેંગ મૂળ તમિલનાડુની છે તો હાલમાં અમદાવાદમાં રહે છે ત્યારે આ ગેંગના છમાંથી પાંચ શખ્સો ઝડપાયા છે અને એક ફરાર છે. ત્યારે પાંચ શખ્સો પાસેથી રોકડ રૂ.90,710 ત્રણ ટુવ્હીલર રૂ.75,000,10 મોબાઈલ રૂ. 47000, બે થેલા રૂ.600, નાનું પર્સ એક રૂ.100, બે થમ્સઅપની ઓઈલ ભરેલી બોટલો, ઓઈલની એક બોટલ અને ટોર્ચ(બેટરી) રૂ.200ની મળી કુલ રૂ.2,13,610નો મુદ્દામાલ રીકવર કર્યો છે.