
PM મોદીએ કહ્યું, “ગુજરાતમાં ડેરી ઉદ્યોગ એક લાખ કરોડે પહોંચ્યો
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિંમતનગરની સાબરડેરીએ આવી પહોંચ્યા હતા. PM મોદી હેલિપેડ પર આવી પહોંચ્યા હતા અને કારમાં સાબરડેરી જવા રવાના થયા હતા. વડાપ્રધાને સાબરડેરી પહોંચી દૈનિક 120 મેટ્રિક ટન પાવડરનું ઉત્પાદન કરતા 305 કરોડમાં તૈયાર થયેલા પાવડર પ્લાન્ટ અને 125 કરોડના ટ્રેટાપેક પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. લોકાર્પણ કાર્યક્રમ બાદ વડાપ્રધાને સાબરડેરીમાં પ્રદર્શન નિહાળ્યું હતું. તેમણે જીલ્લાની પશુપાલન ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનાર 20 મહિલાઓ સાથે 10 મિનીટ વાર્તાલાપ કર્યો હતો. સાથે જ વડાપ્રધાને પાંચ એકરમાં રૂપિયા 600 કરોડના ખર્ચે આકાર પામનારા ચીઝ પ્લાન્ટનું પણ ભૂમિપૂજન કર્યુ હતું.
પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં આજે ડેરી ઉદ્યોગ એક લાખ કરોડે પહોંચ્યો છે. આજે મહિલાઓ દુધ-મંડળીઓ ચલાવી રહી છે, મધનું ઉત્પાદન બમણું થયું છે. ખેડૂતોની આવકમાં વધારો થાય તે માટેના પ્રયાસો કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા 3 કરોડથી વધારે ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યાં છે.