
હિંમતનગરના ઘોરવાડા નજીક ગુહાઈ નદી પરનો કોઝવે તુટી જતાં લોકોમાં રોષ
હિંમતનગર તાલુકાના ઘોરવાડા નજીક ગુહાઈ નદી પરનો કોઝવે તુટી જતા તંત્ર દ્વારા કરવામાં આવેલી આરસીસી કામમાં વેઠ ઉતારવામાં આવતાં સ્થાનિક લોકોમાં રોષ સાથે નારાજગી જોવા મળી છે. કોઝવેથી આગળ રસ્તામાં માટી કામ પણ કરવામાં ન આવતા વારંવાર અકસ્માત થવાથી નિર્દોશ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે સત્વરે તંત્ર દ્વારા કોઝવેની મરામત યોગ્ય રીતે કરવામાં આવે તેવી સ્થાનિક ગ્રામજનોએ માગ કરી છે.
આ અંગે ઘોરવાડા ગૃપ ગ્રામ પંચાયતના સરપંચ વિણાબા તથા ગ્રામજનોએ રજૂઆતમાં જણાવ્યુ હતું કે, ઘોરવાડા જતા વચ્ચે ગુહાઇ નદી પર કોઝવે બનાવવામાં આવ્યો હતો. પરંતુ કોઝવે તુટી ગયા બાદ તંત્ર દ્વારા તેનું રીપેરીંગ કામ તથા આરસીસી કામ કરવામાં આવ્યું હતુ. પરંતુ તુટેલા કોઝવેને જોડતા રસ્તા ઉપર રેમ્પ કરવામાં ન આવતાં અહીંથી પસાર થતાં ટુ વ્હીલર ચાલકો તેમજ વાહન ચાલકોને ખુબ જ મુશ્કેલી પડે છે. મોટર સાયકલ પર જઇ રહેલાં કેટલાક લોકો રેમ્પ ન હોવાથી નીચે પટકાતા ઇજાગ્રસ્ત બને છે તો કેટલાક લોકોના જીવ પણ ગુમાવવા પડ્યા છે. થોડાક દિવસ અગાઉ મોટર સાયકલ પરથી પડી જવાથી એક મહિલાનુ કરૂણ મોત નિપજ્યું હતુ. આ ઉપરાંત કોઝવેથી આગળ રસ્તાની સાઇડમાં માટી કામ પણ કરવામાં ન આવ્યું હોવાથી વાહનોના અકસ્માતોના બનાવો પણ વધી રહ્યાં છે. ત્યારે તંત્ર દ્વારા સત્વરે સ્થળ તપાસ કરી કોઝવેનું સમારકામ સત્વરે કરવામાં આવે તેવી માગ ઉઠી છે.
આ અંગે ઘોરવાડા ગામના મનહરસિંહ રહેવરે જણાવ્યું હતું કે, ગુહાઈ નદી પરના કોઝવેને તંત્ર દ્વારા તાત્કાલિક સ્થળ તપાસ કરી બંને તરફ રેમ્પ મૂકીને રોડ સાઈડ માટીકામ કરવામાં આવે જેથી વાહનચાલકોની પરેશાની ઓછી થાય અને અકસ્માતના બનાવો ઘટે પંચાયતમાં અમે રજૂઆત કરી હતી. યોગ્ય કામના અભાવે અકસ્માતો સર્જાય છે અને વાહનો પણ પટકાય છે. તો શરીરને અને વાહનને નુકશાન થાય છે.