
હિંમતનગરમાં નવા નિમણુંક થયેલા સદસ્યોએ મુલાકાત લીધી; નારી કેન્દ્રની કામગીરી વિષે જાણકારી મેળવી
રાજ્ય સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા 10 જિલ્લામાં નારી કેન્દ્રમાં ચેરમેન સહિતના સભ્યોની ટીમની નિમણુંક કરવામાં આવી છે. ત્યારે સાબરકાંઠામાં ચેરમેન સહિત સદસ્યની ટીમે હિંમતનગરમાં નારી કેન્દ્રની મુલાકાત લીધી હતી. એક કલાકનો સમય નારી કેન્દ્રમાં વિતાવીને કામગીરી વિષે જાણકારી મેળવી હતી.
રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ, ભરૂચ નવસારી, પંચમહાલ, બનાસકાંઠા, ભાવનગર અને સાબરકાંઠામાં ચેરમેન સહિત પાંચ સદસ્યોની મહિલાની વ્યવસ્થાપક સમિતિની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે ત્રણ ચૂંટાયેલા અને બે સંગઠનના હોદ્દેદારો સહિત પાંચ મહિલાઓની નિમણુંક કરવામાં આવી છે. જેમાં હિંમતનગરની નારી કેન્દ્રની વ્યવસ્થાપક સમિતિના ચેરમેન તરીકે સાબરકાંઠા જિલ્લા પંચાયતના મહિલા અને બાળ કલ્યાણ વિભાગના ચેરમેન રેખાબા રણજીતસિંહ ઝાલા, હિંમતનગર તાલુકા પંચાયતના સદસ્ય ભૂમિકા પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય સોનલ સોલંકી, જ્યારે જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો કપીલા ખાંટ, પ્રજ્ઞા પટેલની નિમણુંક કરવામાં આવી છે.
હિંમતનગર નારી કેન્દ્રમાં નવી નિમણુંક થયેલા વ્યવસ્થાપક સમિતિના ચેરમેન અને સદસ્યએ કેન્દ્રની મુલાકાત લીધી હતી અને નારી કેન્દ્રમાં એક કલાક સમય વિતાવીને સમગ્ર જાણકારી મેળવીને તમામ વિભાગ અને રૂમોની ઉપરાંત રસોઈ કક્ષ સહિતની કામગીરીની મુલાકાત લઈને જાત માહિતી મેળવી હતી.
આ અંગે વ્યવસ્થાપક સમિતિના ચેરમેન રેખાબા ઝાલાએ જણાવ્યું હતું કે, નારી કેન્દ્રમાં એક કલાકનો સમય વિતાવ્યો હતો અને કામગીરી ઉપરાંત સવલતોની જાત તપાસ કરી હતી. તો હાલમાં છ મહિલા અને એક બેબી નારી કેન્દ્રમાં છે. તો આપવામાં આવતી રસોઈની પણ ચકાસણી કરી હતી. જો કોઈને ડાયાબીટીસ, બીપી હોય તો તેમણે એ પ્રકારની રસોઈ પીરસવામાં આવે છે. સ્વચ્છતા સાથે કામગીરી પણ સારી જોવા મળી હતી.