
હિંમતનગરના રૂપાલ કંપામાં 70 વર્ષથી નવરાત્રિનું આયોજન
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના રૂપાલકંપા નવરાત્રિ મહોત્સવની ઉજવણી છેલ્લા 70 વર્ષથી થાય છે. ત્યારે નવરાત્રિ દરમિયાન ગામના યુવક-યુવતીઓ અને બાળકો વિવિધ વેશભૂષા ધારણ કરે છે. દશેરાના દિવસે રાવણ દહન પણ ગામના પાદરે બનાવીને દહન કરવામાં આવે છે.
નવરાત્રિના પ્રારંભે પરંપરા મુજબ અગ્રણી કાંતિભાઈ કેસરાભાઈ પટેલના નિવાસ્થાનેથી માતાજીની ગરબીને સુશોભિત કરી આરતી ઉતારી, તિલક કરી શોભાયાત્રા સાથે માંડવી ચોક ખાતે ઘટ સ્થાપન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નવરાત્રીના પ્રારંભે પ્રથમ નોરતે માંડવી ચોકમાં બાળાઓ દ્વારા માથે ગરબા લઈને માતાજીની આરાધના કરી હતી. ત્યારબાદ ગ્રામજનો દ્વારા સમૂહમાં માતાજીની આરતી કરી સ્થાનિક યુવક મંડળ અને મહિલા મંડળ દ્વારા ગરબાની રમઝટ માણી હતી. નવરાત્રિ દરમિયાન ગામના જ વડીલો દ્વારા વર્ષોની પરંપરા મુજબ તેઓ જ ગરબા ગાય છે. અને ગામના જ યુવાનો દ્વારા દેશી ઢોલ સાથે આધુનિક વાજિંત્રા જાતેજ વગાડી નવરાત્રિમાં રાસ ગરબા કરવામાં આવે છે. નવરાત્રિમાં છઠ્ઠા અને સાતમા નોરતે ગામના બાળકો તેમજ યુવક યુવતીઓ દ્વારા ભારતીય પરંપરાના ધાર્મિક પાત્રો, ક્રાંતિવીરોના પાત્રો, ભારતના અલગ અલગ રાજ્યોના પહેરવેશો, સમાજના વિવિધ વર્ગના પાત્રોની વેશભૂષા કરવામાં આવે છે.સ્થાનિક યુવક મંડળના પ્રમુખ હર્ષદભાઈ પટેલના જણાવ્યા મુજબ ગ્રામજનો દ્વારા છેલ્લા 70 વર્ષની પરંપરા મુજબ માતાજીના સમૂહમાં ગરબા ગાઈને નવરાત્રિના નવ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેમાં વડીલો બાળાઓ મહિલાઓ યુવકો મોટી સંખ્યામાં ભાગ લે છે. નવરાત્રિ દરમિયાન દશેરાના દિવસે ગામના ઝાપે યજમાન દ્વારા માતાજીનું પૂજન કરી હોમ હવન યજ્ઞ કરવામાં આવે છે. દશેરાની રાત્રી દરમિયાન સ્થાનિક બાળકો દ્વારા રાવણનું પૂતળું બનાવી સમગ્ર ગ્રામજનો દ્વારા રાવણના પુત્રનું દહન કરવામાં આવે છે.