
ખેરોજની નચિકેતા વિદ્યા સંસ્થામાં ત્રણ મહિના પહેલા થયેલા ડામકાંડમાં ફરિયાદ બાદ સંચાલકની ધરપકડ
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ખેરોજમાં આવેલા એક વિદ્ધા સંસ્થામાં ત્રણ મહિના પહેલા બનેલા 13 વિધાર્થીઓના ડામકાંડમાં ફરિયાદ ખેરોજ પોલીસે સંચાલકની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. સાંજે ખેડબ્રહ્મા કોર્ટમાં રજૂ કરવામાં આવશે.આ અંગેની વિગત એવી છે કે, ખેરોજમાં આવેલી નચિકેતા વિદ્ધા સંસ્થામાં ધો-3 અને 4માં 30 જેટલા વિધાર્થીઓ અભ્યાસ કરે છે. આ સંસ્થામાં ત્રણ મહિના પહેલા 13 વિધાર્થીઓને ડામ આપવામાં આવ્યા હોવાની ઘટના થોડાક દિવસ પહેલા બહાર આવી હતી. ત્યાર બાદ એક વિધાર્થીના વાલી પોશીના તાલુકાના દોતડ ગામના રામા સાયબા તરાલે ખેરોજ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી.ત્યાર બાદ આ અરજી જિલ્લા કલેકટર, પ્રાથમિક શિક્ષણાધિકારીને આપી જાણ કરી હતી. પરંતુ કોઈ કાર્યવાહી થઇ ન હતી. ત્યારે મીડિયાના માધ્યમથી સમગ્ર મામલો અરજીરૂપે બહાર આવ્યા બાદ પોલીસ અને શિક્ષણ વિભાગ બંને એક્શનમાં આવ્યા હતા અને તપાસ હાથ ધરી હતી.બીજી તરફ ખેરોજ પોલીસે ગુરુવારે વાલીઓ રામા સાયબા તરાલે નોંધાવેલી ફરિયાદ મુજબ 18 ઓક્ટોમ્બર 2023ના પહેલા બેથી ત્રણ મહિનામાં કોઈપણ સમયે અભ્યાસ કરતો દીકરો (ઉં.વ-10) ધો-4માં નચિકેતા વિદ્યા સંસ્થાનમાં સંચાલક અને સ્ટાફની દેખરેખ હેઠળ શાળા અભ્યાસ કરતો હતો અને હોસ્ટેલમાં રહેતો હતો.
આ બાળકને સંસ્થાના સંચાલક પોશીના માલવાસ ગામના સંચાલક રણજીત ગમન સોલંકીએ વિદ્યાર્થી સવારના વહેલો ન ઉઠતો હોવાથી આવેશમાં આવી જઈને બાળ વિદ્યાર્થી પ્રત્યે અત્યાચાર ગુજારી આગથી તપાવેલા પદાર્થ વડે ડામ આપ્યો હતો.શરીરને નુકશાન કરી ગંભીર ઈજાઓ કરી હોય અને સંસ્થાના સંચાલનમાં ગેરવર્તુણક કરી બાળક પ્રત્યે ક્રુરતા આચરી બિનજરૂરી માનસિક અને શારીરિક ત્રાસ દાયક કૃત્ય કરી ગેરવર્તન કરી અસહ્ય પીડાનો ભોગ બનાવ્યો હતો. જેને લઈને ખેરોજ પોલીસ સ્ટેશનમાં રામ તરાલની ફરિયાદ આધારે પોલીસે સંચાલક રણજીત સોલંકી સામે 323 ,326, ધી જુવેનાઈલ જસ્ટીસ એક્ટ 2016ની કલમ 75 મુજબ ગુનો નોંધ્યો હતો. આ અંગે ખેરોજ પોલીસ સ્ટેશનના PI(પોલીસ ઈન્સપેક્ટર) જે.એ.રાઠવાએ ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, વાલીની ફરિયાદ આધારે ગુનો નોંધી સંચાલક રણજીત સોલંકીને સંસ્થામાંથી ગુરુવારે રાત્રે 11.30 વાગે ધરપકડ કરી હતી. ત્યાર બાદ ડામકાંડ અંગે પૂછપરછ હાથ ધરી છે. સાંજે ખેડબ્રહ્મા કોર્ટમાં રજૂ કરવામાં આવશે.