
હિંમતનગરમાં આયુષ મેળામાં 400થી વધુ લોકોએ લાભ લીધો
સાબરકાંઠા જિલ્લા પંચાયત દ્વારા આજે આઠમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે હિંમતનગરના મહાવીરનગરમાં આવેલી સાબર સોસાયટીમાં હિંમતનગરના ધારાસભ્યએ આયુષમેળાને ખુલ્લો મુક્યો હતો. જેમાં 400થી વધુ લોકોએ લાભ લીધો હતો. 700 જણાએ પ્રદર્શન નિહાળ્યું હતું.આ પ્રસંગે હિંમતનગર ધારાસભ્ય વી.ડી.ઝાલાએ ભારતીય સંસ્કૃતિમાં આયુર્વેદનું ખૂબજ મહત્વ છે. વર્તમાન સ્થિતિમાં આયુર્વેદનું મહત્વ વિસરાઈ રહ્યું છે અને એલોપેથીક દવાઓનું ચલણ વધી રહ્યું છે. આ એલોપેથીક દવાઓ લાંબા ગાળે શરીરને ખૂબજ નુકસાન કરે છે. પરિણામે તેમાંથી નવી તકલીફો જેવી કે એસિડિટી, ગેસ, પેટનો દુખાવો જેવી સામાન્ય તકલીફો ઉપરાંત કિડની અને લીવર પર અસર જેવી ભયાનક બીમારીઓ ઉદભવે છે. આવા સમયે આયુર્વેદ એ ખૂબજ અસરકારક ઉપચાર બની રહે છે. આપણા ગ્રંથોમાં પણ આયુર્વેદનું મહત્વ દર્શાવાયું છે. ત્યારે સરકારના સહયોગથી યોજાયેલા આયુષ મેળાએ સમાજને ખૂબ ઉપયોગી બની રહે છે.
દરરોજ દરેક માટે આયુર્વેદ ના સ્લોગન સાથે શરૂ થયેલા આયુષ મેળામાં નાડી પરીક્ષણમાં, અગ્નિકર્મ, દંત વિભાગ, સ્ત્રી રોગ અને ગર્ભ સંસ્કાર, બાળ રોગ, પંચકર્મ, લાઈફ સ્ટાઈલ ડિસઓર્ડર, જનરલ આયુર્વેદ અને હોમિયોપેથી, પ્રાકૃતિક પરીક્ષણ અને તે મુજબ માર્ગદર્શન, બીપી-સુગર ચેકઅપ, વેલનેસ ઓપીડી જેવા નિદાન સારવાર કેમ્પ તથા દિનચર્યા, ઋતુચર્યા, વનસ્પતિ પ્રદર્શન, પંચકર્મ, મિલેટ પ્રદર્શન, યોગ પ્રદર્શન જેવા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકો માટે સુવર્ણપ્રાસનનું આયોજન કરાયુ હતું. સવારથી સાંજ સુધી યોજાયેલા આ આયુષ મેળામાં 400થી વધુ લોકોએ નિદાન પરિક્ષણ કરાવ્યુ હતુ. આશરે 700થી વધારે લોકોએ આયુષ મેળાના પ્રદર્શનનો લાભ લીધો હતો.આ પ્રસંગે હિંમતનગર ધારાસભ્ય વી.ડી. ઝાલા, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, જિલ્લા આયુર્વેદીક અધિકારી ડૉ. જગદીશ ખરાડી, જિલ્લા પંચાયતના સભ્યો, આયુર્વેદિક વિભાગના ડોક્ટરો તેમજ મોટી સંખ્યામાં દર્દીઓ અને શહેરીજનો નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા.