
સાબરકાંઠામાં ચાર સ્થળે શ્રમિક અન્ન પૂર્ણા યોજના હેઠળ રાહત દરે રૂ.5માં ભોજન મળશે
સાબરકાંઠા જિલ્લામાં રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા તથા સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ભીખુસિંહજી પરમારના હસ્તે શુક્રવારે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ આયોજિત હિંમતનગરમાં ખેડ તસિયા રોડ પર આવેલી શ્રીમતી સવિતાબેન માણેકલાલ રાજચંદ ગાંધી દિગંબર જૈન સમાજવાડી ખાતે શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત નવીન ભોજન કેન્દ્રોનું ઉદ્ઘાટન કરાયુ હતું.આ કાર્યક્રમમાં રાજ્યકક્ષા અન્ના અને પુરવઠા મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા શ્રમયોગીઓની સામાજિક સુરક્ષા અને કલ્યાણ માટે અવિરતપણે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સમગ્ર રાજ્યમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે 155 કડિયાનાકા ઉપર ભોજન વિતરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે.જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાનાં શ્રમિકો માટે ચાર શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત કુલ ચાર ભોજન વિતરણ કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેમાં શ્રમિકોને શુદ્ધ અને સાત્વિક ભોજન આપવામાં આવશે. આ યોજના બાંધકામ શ્રમિકો માટે લાભદાયી નીવડશે. આ યોજના થકી જિલ્લાનાં કોઈપણ શ્રમિકને ભૂખ્યા સૂવું નહિ પડે.
વધુમાં સંવેદનાશીલ સરકાર દ્વારા લોકકલ્યાણ માટે ધન્વન્તરી આરોગ્ય રથ યોજના, શિક્ષણ સહાય યોજના, વ્યવસાયિક રોગમાં સહાય યોજના, શ્રમિક પરિવહન યોજના, ગો ગ્રીન શ્રમિક યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના જેવી યોજનાઓ અમલી છે. શ્રમિક અન્ન પૂર્ણા યોજના અંતર્ગત ઈ-નિર્માણ કાર્ડ ધરાવતા બાંધકામ શ્રમિકો અને તેના પરિવારના સભ્યોને રાહત દરે પ્રતિ ભોજન દીઠ રૂ.5માં ભોજન આપવામાં આવે છે.આ કાર્યક્રમ દરમિયાન રાજ્યકક્ષાનાં કાર્યક્રમને નિહાળવામાં આવ્યો હતો. તેમજ મહાનુભાવોનાં હસ્તે લાભાર્થીઓને સહાય વિતરણ તેમજ ભોજન વિતરણ કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લામાં રાધેય સ્વીટમાર્ટ પાસે, છાપરીયા કડીયાનાકા, હિંમનગર ખાતે સાંસદના હસ્તે, મહાવીરનગર ચાર રસ્તા, કડીયાનાકા, હિંમતનગર ખાતે ધારાસભ્ય વી.ડી ઝાલાના હસ્તે, ભાખરીયા બસ સ્ટેન્ડ, પ્રાંતિજ ખાતે પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના હસ્તે, ઇડર ટાવર ચોક, કડીયાનાકા, ઇડર ખાતે ઇડર ધારાસભ્ય હસ્તે શ્રમિક અન્ન પૂર્ણા યોજના અંતર્ગત નવા કેન્દ્રોનું ઉદ્ઘાટન કરાયું હતું.