
પ્રાંતિજ તાલુકા પંચાયતમાં ભાજપના ઉમેદવાર સામે ભાજપના 11 સદસ્યોએ બળવો કર્યો
સાબરકાંઠા જિલ્લાની પ્રાંતિજ તાલુકા પંચાયતમાં પક્ષે જાહેર કરેલા પ્રમુખ અને ઉપપ્રમુખના ઉમેદવારો ઉપરાંત ભાજપના જ બે ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો ભર્યા હતા. જેને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. ત્યાર બાદ પ્રાંતિજના ધારાસભ્ય સહિત સંગઠન દ્વારા મેન્ડેટ સામે ફોર્મ ભરેલા ઉમેદવારોને સમજાવટ કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. જેમાં નિષ્ફળતા જોવા મળી હતી. ત્યારે ગુરુવારે ખાસ સામાન્ય સભામાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં 11 સભ્યોએ બળવો કરી ભાજપના બે ઉમેદવારોને પાંચ મત આપી હરાવ્યા હતા.પ્રાંતિજ તાલુકા પંચાયતમાં ગુરવારે બપોરે 12 વાગે ખાસ સામાન્ય સભામાં પ્રમુખ અને ઉપપ્રમુખના બે-બે ઉમેદવારો વચ્ચે ચૂંટણી પ્રક્રિયા શરુ કરવામાં આવી હતી. જેમાં 20 સદસ્યોની તાલુકા પંચાયતમાં એક સદસ્યનું અવસાન થવાને લઈને 19 સદસ્યો હતા. જેમાં ત્રણ કોંગ્રેસ અને 16 ભાજપના હતા. તો આજની સામાન્ય સભામાં કોંગ્રેસના ત્રણ સદસ્ય ગેરહાજર હતા. જેથી 16 સદસ્યોએ પ્રમુખ અને ઉપપ્રમુખના ચાર ઉમેદવારોએ મતદાન કર્યું હતું. જેમાં ભાજપના જ વર્તમાન પ્રમુખ સહિત 11 ઉમેદવારોએ પક્ષે આપેલા મેન્ડેટ વાળા ઉમેદવાર સામેના પ્રમુખ અને ઉપપ્રમુખને મતદાન કર્યું હતું. તો પાંચ સદસ્યોએ પક્ષના મેન્ડેટના ઉમેદવાર તરફે મતદાન કર્યું હતું.
ભાજપના જ સભ્યોએ ભાજપ સામે બળવો કરીને પ્રમુખ પ્રદિપસિંહ રાઠોડ, જયારે ઉપપ્રમુખ ઉપેન્દ્રકુમાર મકવાણા બનાવ્યા હતા. જેથી સાબરકાંઠા જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. પ્રાંતિજ તાલુકા પંચાયતમાં ભાજપના મેન્ડેટ ઉમેદવાર પ્રમુખ તરીકે રાજેશકુમાર કે. પટેલ જયારે ઉપપ્રમુખ માટે દક્ષાબેન વી. શર્માને પાંચ મત મળ્યા હતા.આ અંગે સાબરકાંઠા જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલે જણાવ્યું હતું કે, પ્રાંતિજ તાલુકા પંચાયતમાં ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખના ઉમેદવાર સામે ભાજપના 11 સદસ્યોએ બળવો કર્યો છે. જેને લઈને તાલુકા પંચાયતમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ સદસ્યો સામે અગામી કોઈપણ સમયે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા સદસ્યોને સસ્પેન્ડ કરવામાં આવશે.