
હિંમતનગરના પોશ વિસ્તારમાંથી કુટણખાનું ઝડપાયું
હિંમતનગરના પોશ વિસ્તાર ગણાતા એવા મહાકાલી મંદિર રોડ પર આવેલી ગ્રીનવુડ સોસાયટીના એક મકાનમાં રહેતી મહિલા અમદાવાદની બે મહિલાઓ સાથે રહીને દેહ વિક્રયનો ધંધો કરતી હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના આધારે હિંમતનગર એ-ડિવિઝન પોલીસના પી.એસ.આઇ. સહિત સ્ટાફે રેડ કરી બે પુરૂષ ગ્રાહકો ઝડપી લઇ દેહ વિક્રયના ધંધાના રેકેટનો પર્દાફાશ કર્યો હતો.
પોલીસે કરેલી રેડમાં વિનોદભાઇ ડાહ્યાભાઇ બારોટ (રહે.ચાંપલાનાર, તા.હિંમતનગર) તથા ધનજીભાઇ નારાયણભાઇ પટેલ (ઉ.વ.60, રહે. જય અંબે સોસાયટી, ખેડબ્રહ્મા)ને ઝડપી લીધા હતા. પોલીસે પુછપરછ દરમિયાન વિણાબેન દિલીપપુરી ગોસ્વામી નામની મહિલા દેહ વિક્રયનો ધંધો કરતી હોવાનું માલુમ પડ્યું હતુ.
પુછપરછ દરમિયાન વિનોદભાઇ ડાહ્યાભાઇ બારોટ અને ધનજીભાઇ નારાયણભાઇ પટેલ નામના બંને શખ્સો ગ્રાહક તરીકે મહિલાઓ સાથે દેહ સંબંધ બાંધવા માટે આવ્યા હતા. આ અંગે પોલીસે વિણાબેન દિલીપપુરી ગોસ્વામી, વિનોદભાઇ ડાહ્યાભાઇ બારોટ, ધનજીભાઇ નારાયણભાઇ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.