Home / News / ઇડરની જેઠીપુરા પંચાયતે 3 વખત રાષ્ટ્રીય એવોર્ડ મેળવ્યો
ઇડરની જેઠીપુરા પંચાયતે 3 વખત રાષ્ટ્રીય એવોર્ડ મેળવ્યો
ઇડરના જેઠીપુરા પંચાયતને બે વર્ષ અગાઉ બબ્બે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા બાદ વર્ષ 2020-21 માટે પંડિત દિનદયાળ ઉપાધ્યાય પંચાયત સશક્તિકરણ પુરસ્કાર માટે ફરી એકવાર પસંદ કરાતાં ત્રણ રાષ્ટ્રીય પુરસ્કાર મેળવનાર રાજ્યની પ્રથમ ગ્રામ પંચાયત બની છે. ગામના સરપંચ અહેસાનઅલી ભટ્ટે વિગત આપતાં જણાવ્યુ કે વર્ષ 2018-19 માં પંડિત દિનદયાળ ઉપાધ્યાય પંચાયત સશક્તિકરણ અને નાનાજી દેશમુખ ગૌરવ ગ્રામસભા બે રાષ્ટ્રીય એવોર્ડ મેળવનાર એકમાત્ર પંચાયત હતી. પુરસ્કારથી મળેલ રાશિથી ગામના વધુ કામો કરવામાં સહુલિયત બની રહી હતી. તેમણે જણાવ્યુ કે ગામમાં એક પણ સફાઇકર્મી નથી તેમ છતાં ગામમાં આંતરિક માર્ગો પર કે કોઇના ઘર આગળ કે અન્ય જગ્યાએ સ્હેજ પણ ગંદકી કે કચરો જોવા નહી મળે. ગામની મહિલાઓ સ્વચ્છતાનું બહુ ધ્યાન રાખે છે અને પંચાયત દ્વારા ડોર ટુ ડોર ટ્રેક્ટર મોકલી કચરો એકત્ર કરી ડમ્પીંગ સાઇટ પર નાખવામાં આવે છે. ગામમાં એકપણ ઉકરડો નથી.
1300 થી વધુની વસ્તી ધરાવતા ગામમાં એક સમાન વિકાસ જોવા મળશે ગામની દૂધમંડળી, સેવા સહકારી મંડળી કે પંચાયત એક પણ સંસ્થામાં પંચાયત અસ્તિત્વમાં આવ્યા બાદ ચારેક દાયકાથી ચૂંટણી થતી નથી ગામના અગ્રણીઓ 15 મિનીટમાં સર્વસંમતિથી નિમણુંક કરે છે. ગામમાં ગૌચર અને ખરાબાની જગ્યા ન હોવાથી ગામથી 3 કિમી દૂર ભાડે જગ્યા રાખી છે અને ગ્રામજનોને ભાડેથી ઉકરડા માટે જગ્યા અપાય છે. ગામમાં એક પણ બાળક કૂપોષિત નથી. ગ્રામજનોને આરોગ્ય વિષયક સેવાઓ મળી રહે તે માટે નિષ્ણાત તબીબની ઉપલબ્ધિ સાથે અદ્યતન હોસ્પિટલ પણ બનાવાઇ છે. યુવાનો માટે રિસર્ચ માટેની સુવિધાઓ સાથે લાયબ્રેરી પણ છે. ગામમાં સ્વચ્છતા, શિક્ષણ, આરોગ્ય, રોજગારી તમામ બાબતોને સાંકળી લેવામાં આવી છે જેને કારણે વર્ષ 2020-21 માટે ફરી એકવાર રૂ.11 લાખની પુરસ્કૃત રાશિ ધરાવતા પંડિત દિનદયાળ પુરસ્કાર જેઠીપુરા ગામને મળ્યો છે. જેનો શ્રેય તલાટી અને પંચાયતના સદસ્યોને આપવાનુ ચૂક્યા ન હતા.