
સાબરકાઠામાં 18,591માંથી 10,974 વિધાર્થીઓ પાસ થયા, ગત વર્ષ કરતા 0.37 ટકા પરિણામ ઓછું આવ્યું
ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડની માર્ચની 2023માં યોજાયેલા ધો.10 SSCનું પરિણામ ગુરુવારે જાહેર થયું છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં ધો.10 વર્ષ માર્ચ-2023માં 8 તાલુકામાં 18,591 વિધાર્થીઓએ 36 કેન્દ્રો પર 81 બિલ્ડીંગમાં પરીક્ષા આપી હતી. ત્યારે બે મહિના બાદ બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. તો સાબરકાંઠા જિલ્લામાં ધો-10માં 2023માં 59.03 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે ગત 2022માં 59.40 ટકા પરિણામ આવ્યું હતું એટલે કે 0.37 ટકા ઓછુ પરિણામ આવ્યું છે. જેમાં 18,591 વિધાર્થીઓમાંથી 10,974 વિધાર્થીઓ પાસ થયા છે. A1 ગ્રેડમાં 107 વિધાર્થીઓ, A2માં 874, B1માં 1797, B2માં 2859, C1માં 3538, C2માં 1730 સમાવેશ થાય છે.
આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી મીતાબેન ગઢવીએ જણાવ્યું હતું કે, ગત વર્ષ કરતા આ વર્ષનું પરિણામ માત્ર 0.37 ટકા ઓછુ આવ્યું છે. તો જિલ્લામાં A ગ્રેડમાં 107 વિધાર્થીઓ આવ્યા છે. તો 10,974 વિધાર્થીઓ પાસ થયા છે અને 7617 વિધાર્થીઓ નાપાસ થયા છે. વર્ષ 2019થી 2023 દરમિયાન છેલ્લા પાંચ વર્ષનું પરિણામ જોવા જઈએ તો 2019માં 63.04 ટકા, 2020માં 57.71 ટકા, 2021માં 100 ટકા, 2022માં 59.40 ટકા અને 2023માં 59.03 ટકા પરિણામ આવ્યું હતું.