
કડોલીમાં સાતમાં નોરતે શારદીય નવરાત્રીની શોભાયાત્રા યોજાઈ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના કડોલી ગામમાં પરંપરા મુજબ આજે ગામમાંથી માતાજીની સાતમની શોભાયાત્રા ગામમાંથી વાજતે ગાજતે નીકળી હતી. જે કટ્ટી મંદિરે પહોંચ્યા બાદ ઝીલણ વિધિ કરી આખુય ગામે પ્રસાદ લીધા બાદ પરત માતાજીના ગામમાં ઘરે ઘરે પગલા કર્યા હતા.હિંમતનગરના કડોલી ગામમાં રામજી મંદિરના ચોકમાં વર્ષોથી શારદીય નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે અને સાતમની નવરાત્રીએ માતાજીની શોભાયાત્રા પણ નીકળે છે. ત્યારે શનિવારે બપોરે ગામમાંથી માતાજીને પાલખીમાં બિરાજમાન કરીને વાજતે ગાજતે શોભાયાત્રા ચાચર ચોકથી નીકળી હતી.
જેમાં મંડળના સભ્યો, ગ્રામજનો મહિલાઓ મોટી સંખ્યમાં જોડાઈ હતી. તો ગામથી કટ્ટી મંદિર સુધી ચાર કિમી શોભાયાત્રા યોજાઈ હતી. ત્યાર બાદ મંદિરે પહોંચી યજમાનના હસ્તે માતાજીની સાબરમતી નદીમાં ઝીલણ વિધિ કરવામાં આવી હતી. ત્યાર બાદ માતાજીની આરતીઓ ચઢાવો બોલવામાં આવ્યો હતો અને માતાજીની આરતી કર્યા બાદ આખાય ગામે મંદિરમાં પ્રસાદ લીધો હતો.ગ્રામજનો પ્રસાદ લીધા બાદ માતાજીને યજમાનના હસ્તે પાલખીમાં બિરાજમાન કરીને શોભાયાત્રા વાજતે ગાજતે ગામમાં પહોચી હતી. ત્યાર બાદ આખાય ગામના ઘરે ઘરે માતાજીના પગલા કરવામાં આવ્યા હતા. જ્યાં ગ્રામજનોએ પોતાના ઘરે પધારેલા માતાજીનું ફૂલડાંથી સ્વાગત કરીને પૂજન અર્ચન અને આરતી કટીને ધન્યતા અનુભવી હતી.