
સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરમાં પોણા 4 ઇંચ વરસાદ : સાબરડેરીમાં પાણી ભરાયાં
ભારે વરસાદની આગાહી વચ્ચે રવિવારે વહેલી સવારથી સાબરકાંઠા જિલ્લામાં સર્વત્ર વરસાદ શરૂ થયો હતો અને બે-બે કલાક દરમિયાન વરસાદ અલગ અલગ તાલુકામાં વરસતો હતો. ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસ્યો હતો. જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.સૌથી વધુ તલોદમાં સવા 6 ઇંચ તો પ્રાંતિજમાં પાંચ અને હિંમતનગરમાં પોણા ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો.
સાબરકાંઠા જિલ્લામાં આજે સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીમાં જિલ્લામાં સૌથી વધુ વરસાદ પ્રાંતિજ અને તલોદ તાલુકામાં પાંચ-પાંચ ઇંચ નોંધાયો હતો. જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. તો પ્રાંતિજમાં પાંચ ઇંચ વરસાદ વરસવાને લઈને ભાખરિયા વિસ્તારમાં અને એપ્રોચ રોડ પર પાણી ભરાયા હતા. જોકે વરસાદ બંધ થતા પાણી ઓસરી ગયા હતા. બીજી તલોદમાં સવા છ ઇંચ વરસાદ વરસતા ગ્રામ્ય વિસ્તારમાં ખેતરોમાં પાણી ભરાયા હતા. નગરમાં ઠેર-ઠેર રોડ પણ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. વિજયનગર અને વડાલીમાં પોણા બે-બે ઇંચ વરસાદ વરસ્યો હતો. ઇડર અને ખેડબ્રહ્મામાં દોઢ-દોઢ ઇંચ વરસાદ, પોશીનામાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો. તો જિલ્લામાં સર્વત્ર 24 મીમીથી 162 મીમી સુધી વરસાદ વરસ્યો હતો.હિંમતનગરમાં બપોર ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને લઈને બે કલાકમાં પોણા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો. દિવસ દરમિયાન પોણા ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો. બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો જેને લઈને ટાવર ચોકમાં, ખેડ તસીયા રોડ પર ઠેર, સબજેલ આગળ, ન્યાય મંદિર વિસ્તાર, નાગરિક બેંક આગળ સહિત વિવિધ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વરસાદ બંધ થવાને લઈને પાણી ઓસરવાનું શરૂ થયું હતું.