
હિંમતનગરમાં ઝાડ પડતા ગાંધી રોડ બંધ થયો, શહેરમાં વીજ પ્રવાહ બંધ કરાયો
હિંમતનગર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં સોમવારે અચાનક વતવારણમાં પલટો આવ્યો હતો. વાવઝોડું ફૂંકાતા ધૂળની ડમરીને લઈને વાહન ચાલકોને પરેશાની ભોગવવી પડી હતી. તો હિંમતનગરના ખાડિયા વિસ્તારમાં આવેલી નશાબંધીની કચેરીના કમ્પાઉન્ડમાં ગુલમહોરનું વિશાળ ઝાડ વાવઝોડાને લઈને પડ્યું હતું,
જેથી રસ્તો બંધ થયો હતો. તો ઝાડ પડવાને લઈને વીજ વાયરો તૂટી ગયા હતા અને વીજ થાંભલો પડી ગયો હતો. જેને લઈને વીજળી ડૂલ થઈ ગઈ હતી. તો ગાંધી રોડ બંધ થઈ ગયો હતો. નશાબંધી કચેરી સામે ફુલહાર અને મોચી કામનું કેબીન ઝાડ નીચે દબાઇ ગયું હતું. તો ઝાડ પડતાની સાથે મોચી કામ કરતા સુરેશભાઈ અને ભદ્રકાળી ફુલહારવાળા અલ્પેશભાઈ રામી બીજી તરફ દોડી જતા બચાવ થયો હતો.
આ ઘટનાને લઈને સ્થાનિકોએ વીજ કચેરી અને નગરપાલિકામાં જાણ કરી હતી. તો આ રોડ પર અડધો કલાકથી અવર જવર બંધ થઈ હતી. પાલિકાના ફાયર વિભાગ, આરોગ્ય વિભાગ, વીજ વિભાગને ઘટના સ્થળે આવી પહોંચ્યું હતું અને ઝાડ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.