
હિંમતનગરમાં જીપડાલું અને ઇકો સામ-સામે પસાર થયા બાદ અકસ્માત સર્જાયો
હિંમતનગરના ન્યાય મંદિરથી મહેતાપુરા જવાના રસ્તે બેઠા પુલ ઉપર આજે બપોર અકસ્માત સર્જાયો હતો જેના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં વીરપુર ગામના બે યુવાનો બાઈક પરથી રોડ ઉપર પટકાયા અને શરીરને ગંભીર ઇજાઓ થઈ હતી. બંને ઇજાગ્રસ્તોને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાર બાદ એક યુવાનને હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં તો બીજા યુવાનને વધુ સારવાર માટે અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે બી-ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હિંમતનગર તાલુકાના વિરપુર ગામના અહમદ ખણુસિયા અને ફેજલ ખણુસિયા બુધવારે બપોર બાદ બંને બાઇક લઈને મહેતાપુરાથી ન્યાય મંદિર તરફ આવી રહ્યા હતા. દરમિયાન દરગાહ પાસેના ઢાળ પર અચાનક ન્યાય મંદિર તરફથી જીપડાલું અને બાઇક પાસેથી ઇકો પસાર થયા બાદ બાઇક પરથી ચાલક અને સવાર બંને રોડ પર પટકાયા હતા. આ સમગ્ર અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. તો અકસ્માત થતા આજુબાજુમાંથી લોકો દોડતા આવી ગયા હતા. બંને ગંભીર ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાંથી ઇજાગ્રસ્ત ફેજલને જ્યુપીટર હોસ્પિટલમાં ખસેડાયો હતો. તો અહમદને વધુ સારવાર માટે અમદાવાદ ઝાયડ્સ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અકસ્માત અંગે બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે વીરપુર ગામના ડેપ્યુટી સરપંચ ફારૂક ખણુસિયાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, વીરપુર ગામના બંને યુવનો વીરપુરથી હિંમતનગર જતા સમયે અકસ્માત સર્જાયો હતો. જેને લઈને બી-ડિવિઝન પોલીસને જાણ કરી હતી. પોલીસે કાર્યાવાહી હાથ ધરી છે. બંને ઇજાગ્રસ્તોને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. એક ઇજાગ્રસ્તને હિંમતનગર અને બીજાને અમદાવાદ સારવાર માટે ખસેડાયો છે.