
સાબરકાંઠા જિલ્લાના ઇડરમાં સવા ઇંચ અને હિંમતનગર અડધો ઇંચ વરસાદ વરસ્યો
સાબરકાંઠા જિલ્લામાં ચોમાસાની સીઝનનો સરેરાશ 100 ટકા વરસાદ થયો છે. તો છેલ્લા 24 કલાકમાં આઠમાંથી પાંચ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં ઇડરમાં સવા ઇંચ અને હિંમતનગરમાં અડધો ઇંચ અને બાકીના તાલુકામાં વરસાદી ઝાપટા પડ્યા હતા. હિંમતનગર ગુરુવારે સાંજે વરસાદ વરસવાને લઈને રોડ પર પાણી પાણી થઇ ગયું હતું.ચોમાસાની વિદાયની તૈયારીઓ છે. ત્યારે ગુરુવારે સાંજે અસહ્ય ગરમી અને બાફ બાદ સાબરકાંઠા જિલ્લામાં આઠમાંથી પાંચ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. ઇડરમાં ધોધમાર સવા ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેને લઈને રોડ પર પાણી ભરાયા હતા તો વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. હિંમતનગરમાં અડધો ઇંચ ધોધમાર વરસાદ વરસવાને લઈને રોડ પર પાણી ભરાયા હતા. ટાવર ચોક, નાગરિક બેંક આગળ અને સબજેલ આગળ સહિતના નીચાણવાળા વિસ્તારમાં રોડ પર પાણી ભરાયા હતા. જdયારે વડાલી,પ્રાંતિજ અને તલોદમાં વરસાદી ઝાપટા પડ્યા હતા.
સાબરકાંઠા જિલ્લામાં ચોમાસાની સીઝનનો સરેરાંશ વરસાદ 100 ટકા થયો છે. જ્યારે આઠમાંથી ચાર તાલુકામાં 100 ટકા થઇ વધુ વરસાદ નોંધાયો છે. એક તાલુકામાં 90 ટકાથી વધારે તો બાકીના ત્રણ તાલુકામાં 80 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વડાલી 06 મીમી, ઇડર 29 મીમી, હિંમતનગર 10 મીમી, પ્રાંતિજ 01 મીમી અને તલોદ 02 મીમી વરસાદ નોંધાયો છે.સાબરકાંઠા જિલ્લાના જળાશયોમાં પાણીની આવક ચાલી રહી છે. ગુહાઈ જળાશયમાં 82 ક્યુસેક,હરણાવ જળાશયમાં 50 કયુસેક પાણીની આવક છે. જવાનપુરા બેરેજમાં 180 ક્યુસેક પાણીની આવક અને 180 ક્યુસેક પાણીની જાવક ચાલી રહી છે. જ્યારે હાથમતી જળાશયમાં પાણીની આવક બંધ છે.