
હિંમતનગર પાલિકાએ 8 મટનની દુકાન સીલ કરી, હાઈકોર્ટ દ્વારા તાજેતરમાં જ મટનની દુકાનોને લઈ આદેશ આપવામાં આવ્યા હતા
હિંમતનગર પાલિકા દ્વારા સોમવારે આઠ દુકાનોને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે પાલિકા દ્વારા 39 દુકાનોને નોટીસ આપીને જાણ કરવા છતાં પણ ગેરકાયદેસર રીતે મટન શોપ ચલાવતા વેપારીઓએ પાલિકાની નોટિસોને ગોળીને પી ગયા હતા. પાલિકા દ્વારા અગામી દિવસોમાં વધુ દુકાનોને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવશે તેમ સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગર શહેરના છાપરીયા, હોરવાડ, હુસૈની ચોક સહિતના વિસ્તારોમાં કેટલાક વેપારીઓ દ્વારા ગેરકાયદેસર રીતે મટન શોપ શરુ કરીને તેમાં મટન સહિતનું વેચાણ કરવામાં આવતું હતું. આવાં વેપારીઓએ પાલિકાના ગુમાસ્તા ધારાનું લાઈસન્સ તેમજ ખોરાક અને ઔષધ નિયમન વિભાગની મંજુરી પણ લીધી ન હતી. થોડાક દિવસ અગાઉ જ ગુજરાત હાઈકોર્ટે ગેર કાયદેસર ધમધમતા કતલખાના અને મટન શોપ બંધ કરવા માટેના આદેશો આપ્યા હતા. જેને ધ્યાને લઈ હિંમતનગર પાલિકાએ 39 દુકાનદારોને નોટીસ આપી હતી.
સોમવારે એ ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત સાથે છાપરીયા વિસ્તારમાં સાત અને મોતીપુરા વિસ્તારમાં એક દુકાન મળી આઠ દુકાનોને સીલ કરવામાં આવી હતી. અગામી દિવસોમાં હજુ વધુ દુકાનોને સીલ કરવામાં આવી શકે છે.
1.સોયેબખાન યાસીનખાન પઠાણ
2.મહમદ ફારૂક ફકીર મહમદ સૈયદ
3.મહમદ અકતર
4.મહમદ આરીફ નૂર મહમદ સૈયદ
5.નિસાર અહેમદ ઇસ્માઇલભાઈ બેલીમ
6.મીરજા ઇનાયત બેગ
7.ઇસ્તીયાક અહેમદમિયા શેખ
8.દિનેશભાઇ મગનભાઈ સોલંકી