
હિંમતનગર એ-ડિવીઝન પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે 18 ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો
હિંમતનગર એ-ડિવીઝન પોલીસે શામળાજી તરફથી આવતી અને હિંમતનગર તરફ જતી એક મારૂતિ સ્વીફટ ગાડીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે 18 ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લઇ જેલ હવાલે કર્યો હતો. વિદેશી દારૂ કિંમત રૂપિયા 1,08,000ના જથ્થા સહિત મોબાઇલ અને કાર સહિત કુલ 3,09,000નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે એ-ડિવીઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, નાયબ પોલીસ અધિક્ષક એ.કે. પટેલના માર્ગદર્શન હેઠળ એ-ડિવિઝન પી.આઇ બી.પી. ડોડીયા સહિત પોલીસ સ્ટાફ પ્રોહિબીશન અંગે કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાન PC મિતરાજસિંહ તથા જ્ઞાનદિપસિંહને સંયુકત રીતે બાતમી મળી હતી. કે, શામળાજી તરફથી એક મારૂતિ સ્વીફટ કારમાં વિદેશી દારૂના જથ્થાને ભરીને હિંમતનગરથી અમદાવાદ તરફ લઇ જવાનો છે અને વિદેશી દારૂ ભરેલી કાર ગાંભોઇ તરફથી પસાર થઇ રહી છે.
જે બાતમીના આધારે સર્વેલન્સ ટીમ દ્વારા સહકારી જીન નેશનલ હાઇવે નં.8 પર વોંચ ગોઠવવામાં આવી હતી અને બાતમીવાળી ગાડી આવી તેને રોકી પુછપરછ કરતા ગાડીના ચાલક નિતીન પાઉલભાઇ બેળેવા (રહે.ડોડીસરા, તા.ભિલોડા, જિ.અરવલ્લી) મળી આવ્યો હતો.