હરણાવ જળશાય 83 ટકા ભરાયો, વોર્નીગ સ્ટેજને લઈને 17 ગામોને એલર્ટ આપ્યું

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લામાં આજે દિવસ દરમિયાન આગાહી વચ્ચે વરસાદ વરસી રહ્યો છે. જેને લઈને જળાશયોમાં પાણીની આવક ચાલી રહી છે. જેથી હરણાવ જળાશય 80 ટકાથી વધુ ભરાતા વોર્નીગ સ્ટેજને લઈને ખેડબ્રહ્માના 17 ગામોને એલર્ટ આપવામાં આવ્યા છે. તો ખેડબ્રહ્માની હરણાવ નદી બે કાંઠે વહેતા બેઠો પુલ અવર જવર માટે બંધ કરાયો છે. ખેડવા જળાશયમાં પાણીની આવકને લઈને 12 ગામોને એલર્ટ કરાયા.સાબરકાંઠા જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ છે. ત્યારે સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યાના 12 કલાક દરમિયાન આઠમાંથી સાત તાલુકામાં વરસાદ નોંધાયો છે. તો તલોદ તાલુકામાં વરસાદ નોંધાયો નથી. સોમવારે જિલ્લામાં સૌથી વધુ વરસાદ ઇડર તાલુકામાં અઢી ઇંચ નોંધાયો છે. જ્યારે વડાલીમાં પોણા બે ઇંચ, વિજયનગર અને ખેડબ્રહ્મામાં એક-એક ઇંચ, હિંમતનગર અને પોશીનામાં પોણો એક-એક ઇંચ તો પ્રાંતિજમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.બીજી તરફ વરસાદ વરસવાને લઈને જિલ્લાના જળાશયોમાં પાણીની આવક ચાલી રહી છે. ત્યારે ગુહાઈ જળાશયમાં 272 ક્યુસેક, હાથમતી જળાશયમાં 495 ક્યુસેક, હરણાવ જળાશયમાં 1350 ક્યુસેક અને જવાનપુરા બેરેજમાં 2170 ક્યુસેક પાણીની આવક ચાલી રહી છે. સાબરકાંઠા જિલ્લામાં સવારે 6થી સાંજના 6 દરમિયાન ખેડબ્રહ્મા 30 મીમી, વિજયનગર 22 મીમી, વડાલી 44 મીમી, ઇડર 62 મીમી, હિંમતનગર 19 મીમી, પ્રાંતિજ 09 મીમી, તલોદ 00 મીમી અને પોશીનામાં 15 મીમી વરસાદ નોંધાયો છે.


ખેડબ્રહ્માની હરણાવ નદી હાલમાં બે કાંઠે વહી રહી છે. જેને લઈને ડીપ બ્રિજ તંત્ર દ્વારા અવર જવર માટે બંધ કરાયો છે. તો હરણાવ જળશાયમાં 80 ટકા ભરાયો છે. જેથી વોર્નીગ સ્ટેજે આવતા ખેડબ્રહ્માના કાંઠા વિસ્તારના 17 ગામોને એલર્ટ કરાયા છે. આ અંગે હરણાવ જળશાય 2ના મદદનીશ ઈજનેર ગૌતમભાઈ પટેલે જણાવ્યું હતું કે, ખેડબ્રહ્માના ખેડબ્રહ્મા, નીચી ધનાલ, વાસણા, ગલોડિયા, જગમેર, પાદરડી, રુદ્રમાળા, દેરોલ, પરોયા, જગન્નાથપુરા, વાઘેશ્વરી, કલોલ, સીલવાડ, વાલરણ, લક્ષ્મીપુરા, નાકા અને પઢારા ગામોને એલર્ટ રહેવા ખેડબ્રહ્મા ચીફ ઓફિસર અને તાલુકા વિકાસ અધિકારીને જાણ કરવામાં આવી છે.આ અંગે ખેડવા જલાશયના મદદનીશ ઈજનેર અક્ષયભાઈ ભુરિયાએ જણાવ્યું હતું કે, ખેડવા જળાશય રૂરલ લેવલે ભરાયેલો છે. ઉપરવાસમાં વરસાદ પડવાથી ખેડવા ડેમમાંથી એક ગેટ 30 સેમી ખોલવામાં આવેલો છે. જેથી 500 ક્યુસેક આવક સામે 500 ક્યુસેક પાણીની જાવક છે. હાલમાં વરસાદ ચાલુ હોવાથી નદીમાં પાણીની આવક ચાલુ છે. જેથી ખેડવા ડેમથી નદી કિનારાના ગામો ખેડવા, બોરડી, પઢારા, બાસોલ, પરોયા, નવાનાના, રોધરા, વાલરણ, વરતોલ, ભુતીયા, સિતોલ, ખેડબ્રહ્મા, પાદરડી, વાસણા, રુદ્રમાળામાં ગામ લોકોને નદી કિનારે ન જવા માટે જાણ કરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.