
વડાલીના પૂર્વ વિસ્તારમાં કરા પડ્યા, ચાર તાલુકામાં પા-પા ઇંચ વરસાદ ખાબક્યો
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં આઠ તાલુકામાંથી ચાર તાલુકામાં પા-પા ઇંચ કમોસમી વરસાદ નોંધાયો હતો. તો વડાલીના પૂર્વ વિસ્તારના ગામડાઓમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. સતત બીજા દિવસે કમોસમી વરસાદને લઈને ખેતીમાં નુકશાનની વકી જણાઈ રહી છે. તો આજે સવારે વાતવરણ સુધારો જોવા મળ્યો હતો.
જિલ્લામાં સતત બીજા દિવસે આકાશ વાદળોથી ઘેરાયેલું રહ્યું હતું અને સાંજે તો ધુમ્મસ છવાયું હતું. બીજા દિવસે પણ ચાર તાલુકામાં કમોસમી વરસાદ નોધાયો હતો. જેમાં સૌથી વધુ ઇડર અને સૌથી ઓછો વડાલીમાં નોધાયો હતો.
જિલ્લા ડિજાસ્ટર વિભાગ દ્વારા મળેલી માહિતી મુજબ ઇડરમાં 09 મીમી, વડાલીમાં 04 મીમી, ખેડબ્રહ્મા 05 મીમી અને વિજયનગરમાં 06 મીમી વરસાદ નોંધાયો હતો. હિંમતનગર, પ્રાંતિજ, તલોદ અને પોશીના તાલુકામાં આકાશ વાદળછાયું રહ્યું હતું અને સાંજે ધુમ્મસ છવાયું હતું.
વડાલીમાં રવિવારે મોડી સાંજે કમોસમી વરસાદ શરુ થયો હતો. અંદાજીત 20 મિનીટ જેટલો વરસાદ વરસ્યો હતો. જેને લઈને ખેડૂતો ચિંતિત થયા હતા. તો વડાલીના પૂર્વ વિસ્તાર થેરાસણા, વડગામડા, થુરાવાસ, કેશરગંજ અને મેઘ ગામમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. ગ્રામજનોએ પડતા કરા હાથમાં ઝીલ્યા હતા. કમોસમી વરસાદને લઈને જિલ્લાના કેટલાક વિસ્તારમાં ઘઉંનો ઉભો પાક નમી ગયો હતો. તો બટાકા બહાર કાઢેલા હતા તેને પણ અસર થઇ હતી. આજે હિંમતનગર સહીત સાબરકાંઠા જિલ્લામાં સવારે બે દિવસ બાદ આકાશમાં વાદળા ઓછા થતા જોવા મળ્યા હતા.