
હિંમતનગરમાં અનાજ અને કોટન માર્કેટ સાત દિવસ બંધ રહેશે
દિવાળીને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં આવેલા અનાજ માર્કેટમાં ખરીદી બંધ રહેશે. હિંમતનગરમાં અનાજ અને કોટન માર્કેટ સાત દિવસ બંધ રહેશે અને લાભ પાંચમે શુભ મુહૂર્તમાં ખરીદી શરુ થશે. જેને લઈને માર્કેટયાર્ડ દ્વારા અનાજના ભાવ સાથે જાણકારીની સોશિયલ મીડિયામાં વાઇરલ કરીને ખેડૂતોને જાણ કરી છે.હિંમતનગરમાં ખેડ તસીયા રોડ પર આવેલી ખેતીવાડી ઉત્પાદન બજારમાં અને સહકારી જીન પાસે આવેલા કોટન માર્કેટમાં હાલમાં સવારે ખરીદી શરુ થાય છે અને બપોરે પૂર્ણ થાય છે. ત્યારે દિવાળીના તહેવારને લઈને રજાઓમાં માર્કેટયાર્ડમાં ખરીદી બંધ રહેશે જેને લઈને ખેડૂતોને હિંમતનગર માર્કેટયાર્ડ દ્વારા સાત દિવસ ખરીદી બંધ રાખવાની જાણકારી દરરોજ પડતા અનાજના ભાવ સાથે સોશિયલ મીડિયામાં વાઇરલ કરીને આપવામાં આવી રહી છે.
હિંમતનગર માર્કેટયાર્ડ દ્વારા ખેડૂતોને જાહેર સૂચન મુજબ તહેવારોને લઈને યાર્ડના વેપારીઓ તરફથી 11/11/23 શનિવારથી 17/11/23ને શુક્રવાર સુધીના સાત દિવસ દરમિયાન ખેત પેદાશોનું ખરીદ વેચાણનું કામ કાજ બંધ રાખવામાં આવશે. જેને લઈને સાત દિવસ દરમિયાન અનાજ માર્કેટ અને કોટન માર્કેટ બંધ રહેશે. જેથી ખેડૂતોએ પોતાનો માલ વેચાણ માટે નહિ લાવવા જાણ કરવામાં આવે છે. તો 18/11/23ને શનિવારે લાભ પાંચમના દિવસે શુભ મુહૂર્તમાં સવારે વેપારીઓ દ્વારા ખરીદી શરુ કરવામાં આવશે.હિંમતનગર માર્કેટયાર્ડમાં સોમવારે મગફળી 15,175 બોરી આવક થઇ છે જેનો ભાવ રૂ. 1100થી 1600 નોંધાયો હતો. ઘઉંની 1025 બોરીની આવક થઇ છે જેનો ભાવ રૂ 490થી રૂ 620 નોંધાયો છે. બાજરીની 45 બોરીની આવક થઇ છે જેનો ભાવ રૂ 340થી રૂ 400 નોંધાયો છે. મકાઈની 35 બોરીની આવક રૂ 350થી રૂ 410નો ભાવ નોંધાયો છે. અડદની 75 બોરીની આવક થઇ છે જેનો ભાવ રૂ 1000થી રૂ 1600 નોંધાયો છે. કપાસની 1037 બોરીની આવક થઇ છે જેનો ભાવ 1382થી રૂ 1471 નોંધાયો છે. સોયાબીનની 1120 બોરીની આવક થઇ છે જેનો ભાવ રૂ 850થી રૂ 974 નોંધાયો છે.