
હિંમતનગરના આડા હાથરોલ પાસે કારમાંથી રૂ. 44 હજારનો વિદેશી દારૂ જપ્ત કર્યો
સાબરકાંઠા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા શનિવારે રાત્રી દરમિયાન બાતમી આધારે નાકાબંધી કરતા ચાલક કાર મૂકી ભાગી જતા કારમાંથી રૂ.44 હજારની 475 બોટલ વિદેશી દારૂ ઝડપાયો હતો. ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે એલસીબીના દેવુસિંહ, જુલિયટભાઈ, વિનોદકુમાર, કલ્પેશકુમાર, નીરીલકુમાર હર્ષદભાઈ, હિમાંશુભાઈ ચંદ્રસિંહ હિંમતનગર ગાંભોઈ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલી બાતમીના આધારે ગાંભોઈથી ભિલોડા રોડ પર આવેલા આડા હાથરોલ પાસે શનિવારે રાત્રે નાકાબંધી કરી હતી.
ત્યારે કાળી ડુંગરી ગામ બાજુથી મેઘના આઈ-10 ગ્રાન્ડ કાર નં GJ-01-RK-4633 ની આવતા રસ્તો બ્લોક કરતા કાર ચાલક કાર મૂકી ભાગી ગયો હતો. તો કારમાં તપાસ કરતા વિદેશી દારૂની બોટલ અને બીયરના ટીન નંગ 475 રૂ. 44 હજાર 75 નો જથ્થો મળી આવ્યો હતો. ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ૩ લાખની કાર મળી 3 લાખ 44 હજાર 75 નો મુદ્દામાલ ગાંભોઈ પોલીસને સોંપી ફરિયાદ નોધાવતા પોલીસે કાર ચાલક સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.