
સાબરકાંઠામાં ખેડૂતના ખેતરમાંથી ડ્રીપની ચોરી; છોટા હાથીની બેટરી ગુમ; બે અલગ અલગ અકસ્માતમાં સારવાર દરમિયાન મોત
તલોદ તાલુકાના રામપુરા કંપા ગામના ખેડૂત ભાવે પટેલના ખેતરમાં સિંચાઇ માટે વપરાતી ડ્રીપ નળીઓનો ઢગલો કરીને ખેતરમાં એક બાજુ મુકવામાં આવી હતી. જોકે 21 માર્ચના રોજ રાત્રીના સમયે કોઇ ચોર ઇસમોએ ભેગા મળી ખેતરના શેઢા ઉપર રાખેલા ડ્રીપ નળીઓની ચોરી કરી નાસી ગયા હતા. સવારે જ્યારે ભાવેશ પટેલ ખેતરમાં ગયા ત્યારે ડ્રીપ નળીયો ચોરાઇ હોવાનુ માલુમ પડતા ભાવેશ પટેલે તલોદ પોલીસ સ્ટેશનમાં રૂપિયા 2,42,000ની કિંમતની ડ્રીપ પાઇપોની ચોરી અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
તલોદના ખેરોલ ગામના કાંતિ પટેલના ઘર આગળ છોટાહાથી પાર્ક કર્યું હતું. પણ કોઇ ચોર ઇસમે રાત્રીના સમયે છોટાહાથીમાં રાખેલ રૂપિયા 5 હજારની કિંમતની બેટરીની ચોરી કરી નાસી ગયા હતા. બેટરી ચોરી અંગે કાંતિ પટેલે તલોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
હિંમતનગરથી વિજાપુર રોડ પર આવેલા સરોલી ગામના પાટિયા પાસે સાત દિવસ પહેલા 16 માર્ચની રાત્રીના સમયે અજાણ્યા વાહને રોડ પર ચાલતા જતા અજાણ્યા યુવાનને ટક્કર મારી હતી. જેમાં અજાણ્યા યુવાનને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઇ જેને સારવાર અર્થે હિંમતનગર સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અંગે હિંમતનગર ગ્રામ્ય પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હિંમતનગરથી તલોદ રોડ પર ગઢોડા ગામની સીમમાં છ દિવસ પહેલા 17 માર્ચની રાત્રીના 11 વાગ્યાના સમયે પ્રાંતિજના આમોદરા ગામના બાઈક ચાલક સંકેત વાઘેલા મોટર સાઈકલ લઈને હિંમતનગર તરફ આવતા સમયે રોડ સાઈડ મુકેલા સિમેન્ટના બ્રીજના ફર્મા સાથે ટકરાતા રોડ પર પટકાઈ ગયા હતા. જેમાં ચાલક સંકેત અને સવાર દિલીપ ઉર્ફે કરણ વાઘેલા બંનેને શરીરે ઈજાઓ થઇ હતી. તો બંનેને સારવાર અર્થે હિંમતનગર સિવિલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન સંકેત વાઘેલાનું મોત નીપજ્યું હતું. આ અંગે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રકાશ વાઘેલાએ ફરિયાદ નોંધાવી હતી.