
ઇડર શહેરના ગંભીરપુરા વિસ્તારના જાહેરમાં વસ્ત્રો ઉતારી અંગ પ્રદર્શન કરનાર શખ્સ સામે ફરિયાદ
ઈડર તાલુકાના ગંભીરપુરા વિસ્તારમાં થોડાક દિવસ અગાઉ કોઇ કારણોસર એક શખ્સે આવેશમાં આવી જઇને જાહેરમાં અંગ પ્રદર્શન કરી બિભત્સ હરકતો કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. જેમાં અન્ય ત્રણ શખ્સો પણ એને મદદ કરતા હોવાનું જણાતા ઇડર પોલીસ મથકમાં ચાર શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ હતી.
આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ગંભીરપુરા વિસ્તારમાં બાદશાહખાન પઠાણના ઘરની પૂર્વ દિશામાં સીસીટીવી કેમેરા લગાવેલા છે. જે સીસીટીવી કેમેરાનું ફુટેજ ચેક કરતા તે દરમિયાન તેમના ઘરની નજીક વિક્રમસિંહ દંતાણી નામના શખ્સે ગમે તે કારણોસર આવેશમાં આવી જઇ વસ્ત્રો ઉતારી અંગ પ્રદર્શન કર્યું હતું.
જેમાં અન્ય ત્રણ શખ્સોએ પણ તેની મદદ કરી હોવાનું સીસીટીવી કેમેરામાં માલુમ પડ્યું હતું. જાહેરમાં બિભત્સ ચેનચાળા કરતા મહિલાઓ સહિત અન્ય લોકો પણ શરમજનક પરિસ્થિતનો અનુભવ કરવા લાગ્યા હતા. બનાવ અંગે બાદશાહખાન પઠાણે વિક્રમસિંહ દંતાણી સહિત અન્ય ત્રણ શખ્સો વિરૂદ્ધ ઇડર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.