દિલ ધડક રેસ્ક્યૂ : હિંમતનગર ના કાટવાડ જવાના કોઝવે પર પાણીમાં ફસાયેલી કારમાંથી ચાલક સહિત બે વૃદ્ધને બચાવી લીધા
ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે ત્યારે, સાબરકાંઠામાં છેલ્લા 24 કલાકમાં સર્વત્ર વરસાદ વરસ્યો છે. જેને લઈને નદીઓમાં પાણી આવ્યા છે. ત્યારે ઉપરવાસમાં વરસાદ વરસવાને લઈને હિંમતનગર હાથમતી નદીમાં પાણી આવ્યું છે. જેને લઈને કોઝવે પરથી પાણી વહેતા અવરજવર બંધ કરવામાં આવી છે.પરંતુ હિંમતનગરના કાટવાડ જવાના કોઝવે પર પાણીમાં કાર ફસાઈ હતી. જેમાં ચાલક સહિત બે વૃદ્ધ હતા. જેમને હિમતનગરના ફાયર વિભાગે સ્થાનિકો અને જીવદયા પ્રેમીઓની મદદથી અડધો કલાકમાં બેને બહાર કાઢી જીવ બચાવી લેવાયો હતો. જ્યારે થોડા સમય બાદ ક્રેન વડે કાર પણ બહાર કાઢી દેવામાં આવી હતી.
આ અંગે હિંમતનગર ફાયર વિભાગના અધિકારી એ જણાવ્યું હતું કે, હાથમતી વિયરમાંથી હાથમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને લઈને હિંમતનગરના મહેતાપુરા, કાટવાડ કોઝવે પર બે ફૂટ જેટલું પાણી વહી રહ્યું છે. ત્યારે હિંમતનગરના કાટવાડ કોઝવે પર બપોરે અમે નદીમાં ગાયનું રેસ્ક્યૂ કરી રહ્યા હતા. ત્યારે કોઝવે પર પરના બે ફૂટ પાણીમાં કાર ફસાઈ હોવાના સમાચાર મળતા તાતકાલિક ફાયર ટીમ અને જીવદયા પ્રેમીઓ સ્થળ પર આવ્યા હતા.જ્યાં અડધો કલાકની જહેમત બાદ કોઝવે પર પાણીમાં ફસાયેલી કારમાંથી ચાલક સહિત બે વૃદ્ધને બચાવી બહાર લાવ્યા હતા. ત્યાર બાદ ક્રેન વડે કાર પણ બહાર કાઢી હતી.