
હિમતનગરમાં GMERS મેડીકલ કોલેજ ખાતે પીડિયાટ્રીક ડાયાલીસીસ બેડની સુવિધાનો પ્રારંભ
હિંમતનગર ખાતે આવેલી જી.એમ.ઇ.આર.એસ. મેડીકલ કોલેજ ખાતે પીડિયાટ્રીક ડાયાલીસીસ બેડની સુવિધાનો પ્રારંભ થયો છે. ત્યારે સાબરકાંઠા અને રાજસ્થાનના દર્દીઓ માટે ખુશીની લાગણી જોવા મળી છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ડાયાલીસીસની સુવિધા મળતા દર્દીઓને પણ હવે અમદાવાદ જવુ નહી પડે.
આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગર ખાતે આવેલી જી.એમ.ઇ.આર.એસ. મેડીકલ હોસ્પિટલમાં સાબરકાંઠા, અરવલ્લી અને રાજસ્થાનના પણ દર્દીઓ સારવાર માટે આવે છે અને લોકો માટે આશીર્વાદરૂપ બની છે. જી.એમ.ઇ.આર.એસ. મેડીકલ હોસ્પિટલમાં પીડિયાટ્રીક ડાયાલીસીસની સુવિધા ન હોવાથી દર્દીઓને અમદાવાદ ખાતે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે જવુ પડતું હતું, પરંતુ હવે નાના બાળકોને સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવે છે. રાજસ્થાનની 6 વર્ષીય દર્દી ખુશી પંકજ ડોડિયારને પણ અમદાવાદ હોસ્પિટલમાંથી હવે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે રિફર કરવામાં આવી હતી. ખુશીના પિતા પંકજભાઇએ જણાવ્યું હતું કે, તેમની બાળકીને બંને કિડની ફેઇલ હોવાથી ડાયલીસીસ માટે અમદાવાદ હોસ્પિટલ ખાતે સારવાર કરાવી રહ્યા હતા.
રાજસ્થાનના સાગવાડાથી અમદાવાદનું અંતર ખુબજ વધુ હોવાથી તેમને ખુબજ મુશ્કેલી પડતી હતી. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં પીડિયાટ્રીક ડાયાલીસીસ બેડની સુવિધા શરૂ કરવામાં આવતા અમદાવાદ હોસ્પિટલના ડૉ. કિન્નરીબેન (પીડીયાટ્રીક નોરફોલોજિસ્ટ) દ્વારા હિંમતનગર જી.એમ.ઇ.આર.એસ. હોસ્પિટલ ખાતે રીફર કર્યા છે. ખુશીને અઠવાડિયામાં ત્રણવાર આ ડાયાલીસીસની જરૂરિયાત છે. જેથી તેઓ હિંમતનગર ખાતે ડાયાલીસીસ કરાવવા આવી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સિવિલ હોસ્પિટલ હિંમતનગર ખાતે 2003થી અને જી.એમ.ઇ.આર.એસ મેડિકલ કોલેજ ખાતે ડાયાલીસીસ સેન્ટર કાર્યરત હતું. જેમાં થોડા દિવસ અગાઉ જ વધુ સુવિધા માટે પીડિયાટ્રીક ડાયાલીસીસ બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. હાલમાં ત્રણ બાળકો આ ડાયાલીસીસ બેડનો લાભ લઈ રહ્યા છે. જેમાં રાજસ્થાનથી આવેલી 6 વર્ષીય ખુશી ડોડીયારનો સમાવેશ થઈ રહ્યો છે.