
હિંમતનગરના મહાકાલી મંદિરના ચોકમાં પ્રાચીન અને અર્વાચીન ગરબાનો સમન્વય
હિંમતનગરના કાંકરોલ રોડ પર આવેલા મહાકાલી માતાજીના મંદિરના ચોકમાં ટ્રસ્ટીઓ અને આયોજકો દ્વારા સતત 31મા વર્ષે નવરાત્રિનું આયોજન કરાયું છે. જેમાં પ્રાચીન અને અર્વાચીન ગરબાનો સમન્વય જોવા મળી રહ્યો છે. માતાજીના ચાચર ચોકમાં મહિલાઓ માથે ગરબા અને 51 દીવાની ગરબી લઈને માતાજીની આરાધના કરે છે. શ્રી મહાકાલી માતાજી મંદિર સંકુલ ટ્રસ્ટના પ્રમુખ પ્રવીણસિંહ વિહોલ, નવરાત્રિના કન્વીનર ભરતભાઈ ભટ્ટ, ટ્રસ્ટીઓ અને આયોજકોએ ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, ટ્રસ્ટીઓ અને આયોજકો દ્વારા 31 વર્ષ પહેલા મંદિરના ચોકમાં નવરાત્રિ મહોત્સવની શરૂઆત કરાઈ હતી. આજે આ નવરાત્રિએ પ્રાચીન અને અર્વાચીન ગરબાની ઓળખ આપી છે જે અહિયાં જોવા મળે છે. ચોકમાં 9 વાગ્યે આરતી થયા બાદ ગરબા શરુ થાય ત્યારે મહિલાઓ માથે ગરબા અને 51 દીવાની ગરબીઓ લઈને ગરબે ઘૂમવાની શરૂઆત કરે છે અને મોડી રાત સુધી ગરબા યોજાય છે.
માતાજીના મંદિરનો આખોય ચોક ખેલૈયાઓથી ભરાઈ જાય છે. ગરબા અને ગરબીઓ સાથે મહિલાઓ ખેલૈયાઓ સાથે જોડાયેલા જ રહે છે. મંદિરના ટ્રસ્ટીઓ અને આયોજકો નવરાત્રિ મહોત્સવમાં ખેડેપગે રહે છે. તો નવરાત્રિ મહોત્સવને લઈને મંદિર, ચાચર ચોક અને આસપાસના વિસ્તારને રોશનીથી શણગારવામાં આવ્યો છે. તો મંદિરમાં માતાજીના નવ દિવસના નોરતા અને આઠમે માતાજીનું હવન યોજાય છે.હિંમતનગરના કાંકરોલ રોડ પર આવેલ મહાકાલી માતાજીના મંદિરે સાતમી નવરાત્રિએ નવરાત્રિ ચોકમાં યુવા ધન હિલોળે ચઢ્યું હતું. માતાજીના ગરબા સાથે શનિવાર હોવાને લઈને સાંજ મ્યુઝીકલ પાર્ટીના પંકજભાઈ પંચાલ અને તેમની ટીમે હનુમાન ચાલીસાને ગરબામાં વણીને ખેલૈયાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. જોકે આયોજકો દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાને મોટી સંખ્યામાં સંખ્યમાં ભક્તો, દર્શનાથીઓ અને ખેલૈયાઓથી ઉભરાતા નવરાત્રિ ચોકમાં કોઈ અવ્યવસ્થા જોવા મળતી નથી.