
હિંમતનગરના ઇડર બાયપાસ ફોરલેન રોડ પર ચક્કાજામ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના મોતીપુરાથી ઇડર અને વિજાપુર જવા માટેનો બાયપાસ બનાવવામાં આવેલો છે. જેનું હાલમાં ફોરલેનમાં રૂપાંતર કરવામાં આવી રહ્યું છે. ત્યારે ફોરલેન રોડ પર પાણપુર-ઇલોલ ચાર રસ્તે વારંવાર અક્સમાતની ઘટનાઓને લઈને રવિવારે સ્થાનિકો સર્કલ બનાવવાની માગને લઈને ચક્કાજામ કર્યું હતું. હિંમતનગર ગ્રામ્ય પોલીસે આવી વાતચીત કર્યા બાદ અડધો કલાક બાદ ચક્કાજામ ખુલ્લું થયું હતું.આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગર-ઇડર બાયપાસ રોડ ચાર માર્ગીય બની રહ્યો છે તેનું કામ ચાલી રહ્યું છે. ત્યારે બાયપાસ રોડ પાણપુરથી ઇલોલ જવાના ચાર રસ્તે વારંવાર અકસ્માત સર્જાય છે. જેને લઈને પાણપુર ગ્રામ પંચાયત દ્વારા ગાંધીનગર ખાતે લેખિતમાં સર્કલ બનાવવા માંગ કરી હતી, પરંતુ સર્કલ નહીં બનાવતા રવિવારે ઇલોલ અને પાણપુર ગામના 200થી વધુ લોકોએ ઇલોલ-પાણપુર ચાર રસ્તે રોડ પર આવી ગયા હતા અને રોડ પર ચક્કાજામ કર્યો હતો. જેને લઈને અવર-જવર કરતા વાહનોની બંને તરફ લાંબી લાઈનો લાગી હતી. અડધો કલાક સુધી ચક્કાજામ કરી સ્થાનિકોએ સર્કલ બનાવવાની માગ કરી હતી.
ચક્કાજામ થવાને લઈને થોડેક દૂર આવેલા હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશને રોડ પર વાહનોની લાઈનો જોતા ચક્કાજામની ખબર પડી હતી. જેને લઈને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યાર બાદ ચક્કાજામ કરી સર્કલ બનાવવાની માગ કરતા લોકોને સમજાવટ કરવામાં આવી હતી અને ગાંધીનગર ખાતે ચાર રસ્તે સર્કલ બનાવવાની માગ અંગે વાતચીત કર્યા બાદ અગામી સમયમાં સર્કલ બનાવવામાં આવશે. તેની બાહેંધરી પોલીસ સ્ટેશનના PSIએ કરેલી વાતચીત દરમિયાન મળતા રસ્તો ખોલી દેવામાં આવ્યો હતો. બીજી તરફ હાલમાં રોડની બંને સાઈડ બેરીકેટ રોડ પર મુકવા માટેની વાત પોલીસે સ્થાનિકોને કહી હતી.આ અંગે પાણપુર ગામના પૂર્વ સરપંચ સાજીદ રેવાસીયા અને સ્થાનિક ટી.વી.પટેલે જણાવ્યું હતું કે, પાણપુર પંચાયત દ્વારા ચાર રસ્તે વારંવાર અકસ્માત થવાને લઈને લેખિતમાં સર્કલ બનાવવા માટે ગાંધીનગર રજૂઆત કરી હતી, પરંતુ સર્કલ નહીં બનતા રવિવારે ચક્કાજામ કર્યું હતું. હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના PSIએ વાતચીત કર્યા બાદ રોડની બંને તરફ બેરીકેટ લગાવવાનું કહ્યું છે અને અગામી દિવસોમાં સર્કલ બનાવવાની બાહેધરી આપી હોવાનું જણાવ્યું હતું. સર્કલ ઝડપી નહીં બનાવવામાં આવે તો અગામી દિવસમાં ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. હાલમાં તો અડધો કલાક સર્કલ માટે સ્થાનિકોએ ચક્કાજામ કરીને રવિવારે તંત્રને જગાડ્યું હતું. જેને લઈને હવે સર્કલ નહીં પરંતુ રોડની બંને તરફ બેરીકેટ મુકીને અકસ્માતના બનાવો ટાળવા માટે ગ્રામ્ય પોલીસ કરશે.