
હિંમતનગર રેલવે સ્ટેશન પર અસારવા-જયપુર ટ્રેનમાં મુસાફરે ચેન ખેંચી તો RPF-GRP દોડી આવી, મુસાફર સામે કાર્યવાહી કરી
હિંમતનગર રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નં. 3 પર અસારવા-જયપુર ટ્રેનમાં મુસાફરે શનિવારે રાત્રે અચાનક ચેન ખેંચી હતી. જેને લઈને ટ્રેન ઉભી રહી હતી. તો બીજી તરફ પ્લેટફોર્મ નં. 1 પરથી 3 પર તાત્કાલિક RPF અને GRP દોડી ગઈ હતી. ચેન ખેંચવાને લઈને પૂછ પરછ હાથ ધરી હતી. તો ટ્રેન લેટ પડતા મુસાફર સામે RPFએ કાર્યવાહી કરી હતી. તો બીજી તરફ હિંમતનગર રેલવે સ્ટેશન પર કોચ પોલની સગવડ ના હોવાને લઈને મુસાફરોને પોતાની બેઠક વ્યવસ્થા શોધવા માટે ભારે હાલાકી પડે છે. તો બે ટ્રેન ઉભી રહેવાનો બે મિનીટનો સમય મુસાફરો માટે ઓછો પડે છે.
હિંમતનગરના રેલવે સ્ટેશન પર ચાર પ્લેટ ફોર્મ છે. ત્યારે શનિવારે રાત્રે પ્લેટફોર્મ નં. 1 પર ઉદેપુરથી અસારવા ટ્રેન આવી હતી. બીજી તરફ પ્લેટફોર્મ નં. 2 પર માલગાડી હતી. તો પ્લેટફોર્મ નં. 3 પર અસારવા-ઉદેપુર ટ્રેન આવ્યા બાદ હિંમતનગર રેલવે સ્ટેશનથી ઉદેપુર-અસારવા ટ્રેન ઉપડી હતી. દરમિયાન અસારવાથી જયપુર જતી ટ્રેન હિંમતનગર રેલવે સ્ટેશન પર બે મિનીટનું રોકાણ કરી ઉપડતી હતી.
ત્યારે અચાનક મુસાફરે ચેન ખેંચી હતી. જેને લઈને ટ્રેન ઉભી રહી ગઈ હતી. દરમિયાન પ્લેટફોર્મ નં. 1 પરથી RPF અને GRP પોલીસ કર્મીઓ તાત્કાલિક ફૂટ ઓવરબ્રીજ પર થઈને દોડતા દોડતા પ્લેટફોર્મ નં. 3 પર પહોંચ્યા હતા અને ભીડ વચ્ચે ચેન ખેંચવાને લઈને મુસાફરોની પૂછ પરછ હાથ ધરી હતી. તો ટ્રેન લેટ પડવાને લઈને RPF દ્વારા મુસાફર સામે કાર્યવાહી હાથ ધરી હતી.