
હિંમતનગરમાં હરસિદ્ધિ માતાજીના મંદિરે આસો નવરાત્રી યોજાઈ
હિંમતનગરમાં આવેલા હરસિદ્ધિ માતાજીના મંદિરે વર્ષમાં બેવાર નવરાત્રીનું આયોજન શક્તિ સેવા યુવક મંડળ દ્વારા અંદાજે 60 વર્ષથી યોજાય છે. તો આખા શહેરના નવરાત્રી મંડળોમાંથી માતાજીના ગરબા વળાવવા ભક્તો અહિયા આવે છે. નવરાત્રીના પ્રારંભે મંદિરના ચોકમાં માંડવીનું સ્થાપન કર્યા બાદ રાત્રે આરતી અને ગરબા યોજાય છે. તો મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા ઉમટી પડે છે. હિંમતનગરથી ઇડર જવાના સ્ટેટ હાઈવે પર પૌરાણિક હરસિદ્ધિ માતાજીનું મંદિર આવેલું છે. જ્યાં વર્ષો પહેલા નાનુ મંદિર હતું. ત્યાર બાદ જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. લોકવાયકા મુજબ ઉજ્જૈનના વિક્રમ રાજા આ વિસ્તારમાંથી પસાર થયા ત્યારે રાત્રીના પડાવ નાખ્યો હતો અને તેમને હરસિદ્ધિ માતાજીની સ્થાપના કરી હતી. ત્યાર બાદ આજદિન સુધી આ મંદિરમાં ચૈત્ર અને આસો માસની નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે.
હરસિદ્ધિ માતાજીના મંદિરે ચોકમાં વાજતે ગાજતે યુવક મંડળ દ્વારા માતાજીની માંડવીનું સ્થાપન કરવામાં આવે છે. મંડળના સભ્યો જાતે જ વાજિંત્રો વગાડીને ગરબા કરતા હતા. પરંતુ છેલ્લા 10 વર્ષ કરતા વધુથી મંડળના સભ્યોના સ્થાને હવે માત્ર DJ પર ગરબાનું આયોજન કરવામાં આવે છે. તો આ મંદિરમાં શીતળા સાતમના રોજ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. દર પૂનમે યજમાનોના હસ્તે હવન યોજાય છે.નવરાત્રીને લઈને હરસિદ્ધિ માતાજીના મંદિરમાં મંડળના સભ્યો દ્વારા મંદિરના ચોકમાં માંડવીનું સ્થાપન કર્યા બાદ મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે. રોજ રાત્રે યજમાનોના હસ્તે પૂજન અર્ચન અને આરતી કરવામાં આવે છે. ત્યાર બાદ DJ પર ગરબા યોજાય છે. તો રોજ રાત્રે અને સવારે ભક્તો મોટી સંખ્યામાં દર્શન માટે આવે છે. તો મંદિર પાસે બાળકો અને યુવકો દ્વારા ગુફા બનાવી તેમાં ગબ્બર બનાવ્યો છે. જ્યાં માતાજીને બિરાજમાન કરવામાં આવ્યા છે.