
EPFO પેન્શનધારકો પેન્શન વધારવા આંદોલનના માર્ગે, મહારેલીના આયોજનમાં સાબર ડેરી, સાબરકાંઠા બેન્ક, એસ.ટી.વિભાગ સહિતના પેન્શનર્સ જોડાશે
સાબરકાંઠા જિલ્લામાં EPFOના પેન્શનર્સની સમસ્યાઓની વર્ષોથી રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી. ત્યારે આ પ્રશ્નોના સમાધાન માટે હિંમતનગર ખાતે મહારેલીનુ આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં મોટી સંખ્યામાં સાબર ડેરી, સાબરકાંઠા બેન્ક, એસ.ટી.વિભાગ સહિતના વયોવૃદ્ધ પેન્શનર્સ જોડાશે.
લઘુતમ પેન્શન વધારવા માગ
આ અંગે વધુ માહિતી આપતા આંદોલન સમિતિના કન્વીનર ડૉ.આર.એસ. પટેલ, સહ કન્વીર મધુકર ખમારે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોથી પેન્શનર્સના પગારમાંથી કપાત કરેલ મોટી રકમ EPFOમાં જમા પડી છે. લઘુતમ 1 હજાર રૂપિયા પેન્શન મળે છે. તેમાં વધારો કરવા માટે નેશનલ એગ્રીનેશન કમિટીના અધ્યક્ષ અશોક રાઉતના નેતૃત્વમાં આંદોલન કરવામાં આવી રહ્યુ છે.
પેન્શનર્સ કલેક્ટરને આવેદન આપશે
આ અંગે કેન્દ્ર સરકારમાં વિવિધ જગ્યાઓ પર પણ રજૂઆતો કરવામાં આવી છે. છતાં પણ હકારાત્મક પ્રતિસાદ મળ્યો નથી. સુપ્રીમ કોર્ટના ચૂકાદાને આધીન ગણી બાબતોમાં અસમંજસ છે. તેને લઈને વયોવૃદ્ધ પેન્શનર્સ આંદોલન કરી રહ્યા છે. બુધવારે નિવૃત્ત પેન્શનર્સ મોટી સંખ્યામાં બહુમાળી ભવન પાસે એકઠા થશે અને મહારેલી સ્વરૂપે કલેકટર કચેરી જઈ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપશે.