
હિંમતનગરમાં આંગણવાડીની કાર્યકર અને તેડાગર બહેનોનું બહુમાળી શક્તિ પ્રદર્શન
હિંમતનગરમાં સાબરકાંઠા જિલ્લાની આંગણવાડી કાર્યકર અને તેડાગર મહિલાઓએ હલ્લાબોલ કરીને જિલ્લા પડતર માંગણીઓને લઈને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. ગુજરાતની ગતિશીલ સરકારમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો પ્રત્યે ઓરમાયું વર્તન દાખવાઇ રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા નોકરીની સાથેની આપવામાં આવતી અનેક જવાબદારીઓ નિભાવ્યા બાદ પણ અનિયમિત પગાર મસાલા બિલો, જૂના મોબાઈલ વગેરે 18 જેટલી માંગણીઓ સાથે બહેનોઓએ સમગ્ર ગુજરાતમાં આંદોલન છેડ્યું છે. જેના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લાના આઠ તાલુકામાં આવેલા 1952 આંગણવાડીની કાર્યકર અને તેડાગર બહેનો મંગળવારે પોતાની 18 પડતર માંગણીઓ સંદર્ભે હિંમતનગરમાં આવી પહોંચી હતી. જ્યાં ન્યાય મંદિરથી 2000થી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર મહિલાઓ રેલી સ્વરૂપે બહુમાળી ભવન પહોંચી હતી. જ્યાં બહુમાળી ભવન બહાર સુત્રોચ્ચાર કર્યો હતો અને નારીની શક્તિનું પ્રદર્શન પણ કર્યું હતું. ત્યાર બાદ મહિલાઓએ જિલ્લા કલેક્ટર નૈમેષ દવેને 18 પડતર માંગણીઓ સાથેનું આવેદનપત્ર આપ્યું હતું.
આ અંગે સાબરકાંઠા અખિલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘ પ્રમુખ જ્યોત્સનાબેન નાયકે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે હિંમતનગરમાં સાબરકાંઠા જિલ્લાની 1952 આંગણવાડીના કાર્યકર અને તેડાગર બહેનો મોટી સંખ્યામાં હાજર રહી હતી અને નારી શક્તિનું પ્રદર્શન પણ કર્યું હતું. 26 ઓક્ટોબરથી અચોક્કસ મુદ્દતની હડતાલ આંગણવાડી તેડાગર અને કાર્યકર બહેનો ઉતરી છે. ત્યારે આજે 13 દિવસે પણ પડતર માંગણીઓની કોઈ નિરાકરણ આવ્યું નથી. ત્યારે જ્યાં સુધી આંગણવાડી તેડાગર અને કાર્યકર બહેનો આગળથી માનદ શબ્દ દૂર કરી અને સરકારી કર્મચારી જાહેર કરવાની માગ કરી છે.