
વડાલીમાં એક રાતમાં આઠ જગ્યાએ ચોરી
સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં એક રાતમાં ચાર ખેતરના બોર કુવા ત્રણ ગલ્લા અને એક દૂધ મંડળીમાં તસ્કરો ત્રાટક્યા અને તાળા તોડી રોકડ સહીત ચીજ વસ્તુઓ અને કેબલ વાયરની ચોરી કરી લઇ જતા વડાલી પોલીસ સ્ટેશનમાં જાણ કરાઈ છે.આ અંગેની વિગત એવી છે કે,વડાલી તાલુકામાં કેબલ ચોરી કાયમની થઇ ગઈ હોય તેવું છે. તો ચોરીના બનાવો પણ વડાલી તાલુકામાં વધુ બનતા રહે છે, પરતું તસ્કરો પોલીસના હાથ નથી આવતા અને ચોરીના બનાવો દિન પ્રતિદિન બનતા રહે છે. ત્યારે બુધવારની રાત્રીએ તસ્કર ટોળકી ત્રાટકી હતી અને વડાલી નગર અને ગ્રામ્ય વિસ્તારમાં અલગ અલગ સ્થળે ચોરી કરી હતી.
વડાલી કંપામાં સુરેશ ખેતાભાઇ પટેલ, કાન્તી ખેતાભાઇ પટેલ, ચેતન મગનભાઈ પટેલ અને નીલેશહીરાભાઈ પટેલના ખેતરમાં બોર કુવા પર લગાવેલી મોટરના કેબલ વાયરો કાપીને ચોરી કરી લઇ ગયા હતા. ગુરુવારે વહેલી સવારે ખેડૂતો ખેતરમાં ગયા ત્યારે ખબર પડી કે કેબલની ચોરી થઇ છે. જ્યારે તસ્કરોએ વાડોઠ ગામમાં ગામની દૂધ મંડળીનું તસ્કરોએ તાળું તોડ્યા બાદ ગલ્લાનું પણ તાળું તોડી રોકડ અને ચીજ વસ્તુઓની ચોરી કરી લઇ ગયા હતા. તો વડાલી નગરમાં આવેલા ગુલશન સોસાયટી પાસે બે ગલ્લાને તસ્કરોએ નિશાન બનાવી તાળું તોડી રોકડ અને ચીજ વસ્તુઓની ચોરી કરી સરસામાન વેર વિખેર કરી નાસી ગયા હતા. ચોરીના બનાવો અંગે વડાલી પોલીસ સ્ટેશનમાં જાણ કરાઈ છે.