
યુવક પરિણીત હોવા છતાં શિક્ષિકાને પ્રેમજાળમાં ફસાવીને ઠગાઈ કરી
હિંમતનગર, મોડાસાની મહિલા શિક્ષકને લગ્નની લાલચ આપીને પરિણીત પટેલ યુવકે શારીરિક શોષણ કરીને લાખો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનો ગુનો પોલીસ ચોંપડે નોંધાયો છે.
ફરિયાદ અનુસાર મોડાસા તાલુકાની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતી અને હાલ અન્ય જિલ્લામાં બદલી કરવામાં આવેલી શિક્ષિકા સાથે મોડાસા શહેરમાં રહેતા સત્યવાન રસિકભાઈ પટેલ નામના પરિણીત યુવકે પ્રેમમાં ફસાવી લગ્નની લાલચ આપીને શારીરિક શોષણ કરવાની સાથે ૨૩ લાખ રૂપિયા પડાવ્યા હતા.
આ કેસમાં સત્યવાને ૧૮ લાખ રૂપિયા પરત આપી દીધા, પરંતુ ૫ લાખ રૂપિયા પરત ન આપતા સત્યવાન પટેલના મિત્ર ધીમંત પટેલે સમાધાન કરાવી આપવાના બહાને પીડિત શિક્ષિકા પાસેથી વધુ ૨૧.૭૫ લાખ રૂપિયા ખંખેરી લીધા હતા.
સાથે સાથે શિક્ષિકાને લોન કરી આપી કમિશન લેનારા અન્ય બે શિક્ષકો સહિત પરિણીત યુવકની પત્ની અને માતા અને ભાઈએ અપમાનિત કરીને એકબીજાની મદદથી મહિલા શિક્ષકને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ અંગે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં શિક્ષિકાએ સાત શખસો સત્યવાન રસિકભાઈ પટેલ, ધીમંતભાઈ વિઠ્ઠલભાઈ પટેલ, મહેન્દ્ર કોદરભાઈ પટેલ, આશિષ અનિલભાઈ પટેલ, અમિષા સત્યવાન પટેલ, સુધા રસિકભાઈ પટેલ તથાં ગોપાલ રસિકભાઈ પટેલ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી સહિતા ગુનાઓ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર મામલે પોલીસે આગળની તપાસ હાથ ધરી અને તપાસના ભાગરૂપે મહિલાનું મેડિકલ પરીક્ષણ તેમજ કોર્ટ સમક્ષ ૧૬૪ મુજબ નિવેદન લેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.