
હિંમતનગરમાં ઉમિયા માતાજીના મંદિરે અયોધ્યા રામ મંદિરથી લાવેલા અક્ષત કળશનુ પૂજન કરાયું
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આજે મહાવીરનગર ખાતે આવેલા ઉમિયા માતાજીના મંદિરે અયોધ્યામાં રામ મંદિરથી આવેલા અક્ષત કળશનું જય શ્રીરામના નારા સાથે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ પૂજન અર્ચન કરી ઉપસ્થિત સૌ મહિલા અને ભાઈઓએ અક્ષત કળશ માથે લઈને ફેરવ્યો હતો અને વાજતે ગાજતે કર્ણાવતી પ્રસ્થાન કર્યું હતું.આ અંગેની વિગત એવી છે કે, આગામી 22મી જાન્યુઆરી 2024માં અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરમાં રામલલ્લા બિરાજમાન થવાના છે. ત્યારે સમગ્ર ભારતમાં વસતા પ્રત્યેક હિન્દુના ઘર સુધી અક્ષત પહોંચાડવાનો કાર્યક્રમ નિયત કરવામાં આવ્યો છે. જેને લઈને અયોધ્યા ખાતે અક્ષત કળશ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.આ અક્ષત કળશ લઈને અયોધ્યાથી ઉત્તર ગુજરાત પ્રાંત સહમંત્રી મુકેશભાઈ ગોર અને કમલેશભાઈ સુતરીયા અને સૌરાષ્ટ્ર પ્રાંતના સહમંત્રી રસિકભાઈ કંજારીયા, રાજુભાઇ જાની, નટુજી જાદવ વગેરે મંગળવારે હિંમતનગરમાં ઉમિયા માતાજી મંદિરે આવી પહોચ્યા હતા.
જ્યાં હિંમતનગરના ધર્મપ્રેમી લોકોએ વિવિધ સંગઠનોએ ઢોલ નગારા સાથે વાજતે ગાજતે અક્ષત કળશનું સ્વાગત અને પૂજન કર્યું હતું. અક્ષત કળશના પૂજનનો લાભ લઇ સૌએ ધન્યતા અનુભવી હતી. કળશ પૂજનનો લાભ માતાઓ-બહેનો ભાઈઓએ લીધો હતો. એક વૃદ્ધ ભિક્ષુક બહેને પણ માથા પર અક્ષત કળશ મૂકી ધન્યતાનો અનુભવ કર્યો હતો. ત્યાર બાદ અક્ષત કળશ લઈને કાર્યકર્તા બંધુઓ ગાંધીનગર અને કર્ણાવતી ખાતે જશે. ત્યાં પણ અક્ષત કળશ પૂજન કાર્યક્રમ યોજવામાં આવશે.આ અંગે હિંમતનગર વિશ્વ હિંદુ પરિષદના મંત્રી હિતેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, આગામી સમયમાં આ અક્ષતને હજારો મણ અક્ષતમાં ભેળવી દઈને તેમાંથી નાની નાની અક્ષતરૂપી આમંત્રણ પત્રિકાઓ તૈયાર કરવામાં આવશે. જેને ગુજરાતના તમામ હિન્દૂ પરિવારો સુધી પહોંચાડવામાં આવશે. આ વિતરણ કાર્યક્રમ 1 જાન્યુઆરી 2024થી 15 જાન્યુઆરી 2024 સુધી ચાલશે.જેમાં સંઘ તથા વિવિધ ક્ષેત્રના કાર્યકર્તાઓ જોડાશે અને પ્રત્યેકના ઘર સુધી આમંત્રણ પહોંચાડશે. 22મી જાન્યુઆરીના રોજ ભગવાન શ્રીરામ અયોધ્યા મંદિર ખાતે નવીન મંદિરમાં બિરાજમાન થવાના છે. ત્યારે એ દિવસે તમામ લોકો પોતાની આસપાસના હિન્દુ મંદિરમાં દર્શન કરી ભગવાન શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ લાઈવ જોઈ શકે એવી વ્યવસ્થા કરવા માટે સૌને આગ્રહ કરવામાં આવેલો છે. એ દિવસે સાંજે પ્રત્યેક હિન્દૂ પરિવાર ઘરે પાંચ દીપ પ્રગટાવી દિપોત્સવ ઉજવશે.