
હિંમતનગરમાં ભાટ સમાજ દ્વારા દિવાળીની રજામાં રમતોનો બે દિવસીય ઉત્સવ મનાવાયો
સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં ભાટ સમાજ દ્વારા દિવાળીની રજામાં બે દિવસીય ભાટ ટુ ભાટ ખેલ મહાકુંભ-2023 યોજાયો. જેમાં સમાજના 630 જણાએ ભાગ લીધો હતો. તો પ્રથમ, બીજા અને ત્રીજા નંબરને ઇનામ અને ટ્રોફી આપવામાં આવી હતી.આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગરમાં જૂની સિવિલ સામે ભાટવાસમાં ગણપતિ ચોકમાં સમાજ દ્વારા દિવસીય ભાટ ટુ ભાટ ખેલ મહાકુંભ-2023 17 અને 18 નવેમ્બર એમ બે દિવસ યોજાયો હતો. જેમાં 5થી 35 વર્ષની ઉંમરના 275 બહેનો અને 355 ભાઈઓ મળી કુલ 630 જણાએ ભાગ લીધો હતો. સવારે 7 વાગ્યાથી રમતોત્સવ શરુ થયો હતો અને સાંજે 5.30 કલાકે પૂર્ણ થયો હતો.
ભાટ ટુ ભાટ ખેલ મહાકુંભ-2023માં અન્ડર 11માં (નાના બાળકો) માટે 100 મીટર દોડ, લંગડી દોડ, ત્રિપગી દોડ, લોટ ફૂંક, લીંબુ ચમચી, સ્લો સાયકલ રાઈડ, 1 મિનિટ શો, અને સંગીત ખુરશી યોજાઈ હતી. અંડર 20 માટે 100 મીટર દોડ, 400 મીટર દોડ, 100 મીટર રીલે દોડ, 400 મીટર રીલે દોડ, લાંબી કુદ, ઉંચી કુદ, ચક્રફેક, ગોળા ફેક, પંજા લડાઈ, કબડ્ડી(છોકરાઓ), ખો-ખો (છોકરીઓ), જ્યારે ઓપન એજ ગ્રુપ માટે 100 મીટર દોડ(ઓપ્શનલ), 400 મીટર દોડ (ઓપ્શનલ)લાંબી કુદ, ઉંચી કુદ, કબડ્ડી(છોકરાઓ), ખો-ખો (છોકરીઓ)રસ્સા ખેચ સહિતની રમતો યોજાઈ હતી.ટીમો વચ્ચે પણ વિવિધ રમતોની મેચો યોજાઈ હતી. તમામ વિભાગ અને રમતોમાં પ્રથમ, બીજો અને ત્રીજા નંબરે વિજેતા ખેલાડીઓને મેડલ, ટ્રોફી અને સમાજ તરફથી પ્રોત્સાહન સર્ટીફીકેટ આપ્યું હતું. આ ભાટ ટુ ભાટ ખેલ મહાકુંભ-2023નું આયોજન સમાજના દાતાઓના સહયોગથી કરવામાં આવ્યું હતું. આમ દિવાળીની રજાઓનો ઉપયોગ સમાજના બાળકોમાં સુસુપ્ત શક્તિઓના પ્રદર્શન માટે કરવામાં આવ્યો હતો.