
હિંમતનગરના ટાવર ચોકમાં જન જાગૃતિ રેલી યોજી ઉજવણી કરવામાં આવી
હિંમતનગરમાં શનિવારે વિશ્વ મૂક-બધિર દિવસની ઉજવણીએ જન જાગૃતિ રેલી યોજીને 100 મૂક-બધિર વિધાર્થીઓએ ટાવર ચોકમાં સાંકેતિક ભાષામાં પ્રાર્થના કરી હતી. આમ પ્રજા વચ્ચે સાંકેતિક ભાષામાં નિદર્શન પણ વિધાર્થીઓએ કર્યું હતું.આ અંગેની વિગત એવી છે કે, આજે વિશ્વ મૂક-બધિર દિવસ છે. ત્યારે 18 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર સુધી વિશ્વ મૂક-બધિર સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે 23 સપ્ટેમ્બરે વિશ્વ સાઈન લેંગ્વેજ ડે તથા વિશ્વ મૂક-બધિર દિનની ઉજવણી કરવામાં આવે છે. હિંમતનગરના મોતીપુરામાં શ્રી આર.એલ.શાહ બહેરા મૂંગા વિધાલયથી ભૂતપૂર્વ વિધાર્થીઓએ બેનરો અને પ્લેકાર્ડ સાથે રેલી સ્વરૂપે નીકળી પોલીસ બંદોબસ્ત સાથે બસ સ્ટેશન, બી-ડિવિઝન પોલીસ સ્ટેશન થઈને ટાવર ચોકમાં પહોંચી હતી.
ટાવર ચોકમાં મૂક-બધિર વિધાર્થીઓ સાથે ભૂતપૂર્વ વિધાર્થીઓ એક થઈને શહેરજનોને પોતાની સાંકેતિક ભાષામાં લાગણીઓની વાતો કરતા જોવા મળ્યા હતા અને રોજીંદી કામગીરીને સાંકેતિક ભાષામાં વિધાર્થીઓએ નિદર્શન પણ કર્યું હતું. શહેરીજનો અને પોલીસે પણ મૂક-બધિર વિધાર્થીઓની સાંકેતિક ભાષાની રજૂઆતોને નિહાળી હતી. ત્યાર બાદ તમામ વિધાર્થીઓએ સાંકેતિક ભાષામાં પ્રાર્થના કરી હતી. આ મૂક-બધિર રેલી ટાવરથી શિસ્તબંધ પોલીસ બંદોબસ્ત સાથે દુર્ગા બજાર થઈને ખેડ તસીયા રોડ પર અનાજ માર્કેટ થઈને મોતીપુરા પરત વિદ્યાલયમાં પહોંચી હતી.આ અંગે આર.એલ. શાહ બહેરામૂંગા વિધાલયના આચાર્ય રાજેશભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, સામાન્ય વ્યક્તિઓ વાત કરતા હોય છે તેમની જેમ મૂક-બધિર બાળકો અવાજ કે સ્વર સંભાળતા ન હોવાથી વાતચીત કરવાનું તેમનું માધ્યમ ઈશારાનું હોય છે. તો વિશ્વભરમાં 100 બધિરતા વાળા તમામ બધિર બાળકોની ભાષા ઈશારાની હોય છે.ભારત સરકાર દ્વારા ભારતીય સાઈન લેંગ્વેજ વિકસાવવામાં આવી છે. જેથી બધિર વ્યક્તિઓ એકબીજાની સાથે ઇશારાથી સરળતાથી વાતચીત કરી શકે છે. વિશ્વમાં સાત કરોડથી વધુ મૂક-બધિર દિવ્યાંગો 300 પ્રકારની સાંકેતિક ભાષાનો ઉપયોગ કરે છે.