
હિંમતનગરમાં 74 સિદ્ધિ તપસ્વીઓની 28 બગીમાં શોભાયાત્રા નીકળી
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં પર્યુષણ પુર્ણ થયા બાદ 74 સિદ્ધિતપસ્વીઓની ગુરુવારે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જે વખરીયાવાડ દેરાસરથી નીકળીને શહેરના માર્ગો પર ફરીને મહાવીરનગર શાંતિનાથ જૈન દેરાસર પહોંચી હતી.
હિંમતનગરમાં ગુરુવારે બપોરે વખરીયાવાડ જૈન દેરાસરથી શ્વેતાંબર જૈન સમુદાયના પર્યુષણ પર્વ પૂર્ણ થતા 74 સિદ્ધિ તાપસ્વીઓની 28 બગીમાં બિરાજમાન થઇને શોભાયાત્રા નીકળી હતી. પૂજ્ય આચાર્ય ભગવંત હેમચંદ્રસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં ભવ્ય શોભાયાત્રાના પ્રારંભે ભગવાનનો રથ હતો. જે બપોરે 3 વાગે શોભાયાત્રા શહેરના માર્ગો પર ફરીને ટાવર થઈને બગીચા વિસ્તારમાં મલ્લિનાથ દેરાસર થઈને આંબાવાડી અંડર બ્રિજમાંથી પસાર થઈને મહાવીરનગરમાં શાંતિનાથ જૈન દેરાસરે પહોંચી હતી. જ્યાં તપસ્વીઓએ ગુરુ મહારાજ અને ભગવાનના દર્શન કરી આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ આજ માર્ગ પર થઈને શોભાયાત્રા પરત વખરીયાવાડ દેરાસરે પહોંચી હતી. આ શોભાયાત્રામાં સિદ્ધિતપના 74 તપસ્વીઓ, અન્ય તપસ્વીઓ 28 બગી સાથે અને જૈન શ્રાવક-શ્રાવિકાઓ ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા. શોભાયાત્રા પૂર્વે સવારે હિંમતનગરની જૈનાચાર્ય વિદ્ધાલયમાં 74 સિદ્ધિ તપસ્વીઓના પારણાનો કાર્યક્રમ યોજાયો હતો.