
હિંમતનગર પ્રખંડ દ્વારા વ્યવસાયિક નવરાત્રિ પર પ્રતિબંધ મુકવા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
હાલમાં ગણપતિ મહોત્સવ ચાલી રહ્યો છે અને આવતીકાલથી શ્રાદ્ધ પક્ષ શરૂ થશે અને ત્યારબાદ નવરાત્રિ આવશે. જેને લઈને હિન્દુ યુવા સંગઠન ભારતના હિંમતનગર પ્રખંડ દ્વારા સાબરકાંઠા જિલ્લા કલેક્ટરને વ્યવસાયિક નવરાત્રિ પર પ્રતિબંધ મૂકવા માટે અને સ્થાનિક માંડવીઓને પ્રોત્સાહન મળે તે માટેની માંગણી કરતું બુધવારે સાંજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે.હિન્દુ યુવા સંગઠન ભારતના હિંમતનગર પ્રખંડ ધ્વારા સાબરકાંઠા જિલ્લા કલેક્ટર નૈમેષ દવેને આપેલા આવેદનપત્રમાં જણાવેલ મુજબ હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા વર્ષોથી વ્યવસાયિક નવરાત્રિઓનો રાફડો ફાટ્યો છે. નવરાત્રી એક ધાર્મિક ઉત્સવ છે અને તે ભગવતીની ઉપાસનાનો ઉત્સવ છે. જે સ્થાનિક માંડવીઓમાં જળવાઈ રહે છે. બીજા તરફ ધર્મના નામે પાસ વહેંચીને વ્યવસાયિક નવરાત્રિ થાય છે. જેમાં ધાર્મિક લાગણીનું સહેજ પણ ધ્યાન રાખવામાં આવતું નથી.
ફિલ્મી ગીતો પર અમુક અંશે અશ્લીલતાથી ગરબા રમાય છે અને મોટા ભાગે છેડતીના અને મારામારીના બનાવો બને છે. જેથી બહેન-દીકરીઓની મર્યાદા જળવાતી નથી અને હિન્દુઓની લાગણી દુભાય છે. ત્યારે હિન્દુ યુવા સંગઠન તરફથી પાસવાળી વ્યાવસાયીક નવરાત્રિ પર સદંતર પ્રતિબંધ મુકાય અને ધર્મનું જતન થાય તેવી માગ સાથેનું આવેદનપત્ર હિન્દુ યુવા સંગઠન હિંમતનગર પ્રખંડ દ્વારા આપવામાં આવ્યું છે.