
ઉદેપુર-અસારવા ટ્રેનમાં 21 હજારનો દારૂ લઈ જનાર અમદાવાદનો શખ્સ ઝડપાયો
હિંમતનગરના અસારવા-ઉદેપુર રેલવેમાંથી બાતમી આધારે તપાસ કરતા બેઠક નંબર પરથી ગુરુવારે રાત્રે બિનવારસી રૂ. 21 હજારનો દારૂ ઝડપાયો હતો. જયારે શખ્સ ભાગી ગયો હતો. શુક્રવારે અમદાવાદના શખ્સને હિંમતનગર રેલવે આઉટપોસ્ટ પોલીસે ઝડપી લીધો હતો.
આ અંગેની વિગત એવી છે કે, બે દિવસ પહેલા રાત્રીના 8.40ના સમયે ઉદેપુરથી અસારવા ટ્રેન હિંમતનગર રેલવે સ્ટેશને આવતા હિંમતનગર આઉટ પોસ્ટ પોલીસ ચોકીના રાબેતા મુજબ ફરજ પર જતા વિજય દેસાઈ, વિકાસ ચૌધરી, ગજેન્દ્રસિંહ પરમાર, હિતેન્દ્રસિંહ ગઢવી અને રાધાબેન પાંડવે બાતમી આધારે ટ્રેનમાં તપાસ હાથ ધરી હતી.
જ્યાં S-2 કોચમાં સીટ નંબર 30 પર બાતમી વાળો શખ્સ ન હતો અને સીટ નીચે ટ્રોલી વાળી બેગ હતી. જેમાં તપાસ કરતા વિદેશી દારૂની 66 બોટલ રૂ. 21,330ની મળી આવી હતી. જોકે ટ્રેનમાં શખ્સની તપાસ કરી પરંતુ મળી આવ્યો ન હતો. ત્યારબાદ પોલીસે સીટ નં 30 વાળા અમદાવાદના સરદારનગરમાં ભદ્રેશ્વર હાઉસિંગ સોસાયટીમાં રહેતા મહેશકુમાર ચોટવાણીને શુક્રવારે ઝડપી લીધો હતો.
આ અંગે આઉટ પોસ્ટ પોલીસ ચોકીના વિજયભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, મહેશ ઉદેપુરથી વિદેશી દારૂ લઈને અમદાવાદ તેના ઘરે શ્રીમંતના પ્રસંગ માટે લઇ જતો હોવાનું પૂછપરછમાં કબુલ્યું હતું. જેને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.