સાબરકાંઠામાં કોઈ નવજાત શિશુને ખેતરમાં દાટી ગયું, ખોદ્યું તો જીવતી બાળકી નિકળી

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગર તાલુકાના ગાંભોઈમાં આવેલા GEB પાસેના હિતેન્દ્રસિંહના ખેતરમાં ખેત મજૂર મહિલાને માટીમાં કાંઈક હલતું દેખાતાં તેણે બુમાબુમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. જ્યાં ખોદતાં જમીનમાંથી નવજાત બાળકી મળી આવી હતી. દાટેલું નવજાત શિશુ જીવિત હોવાની જાણ થતાં લોકોમાં જેને ‘રામ રાખે તેને કોણ ચાખે’ વાળી ચમત્કૃતિની લાગણી ફેલાઈ હતી. જેના પગલે તાત્કાલિક 108 સેવાને જાણ કરવામાં આવી હતી. ઘટનાને પ્રત્યક્ષ જોનારા લોકોએ તેના માવતર સામે ફિટકાર વરસાવ્યો હતો.

જીવિત નવજાત શિશુને 108 મારફતે હિંમતનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડાયું હતું. તો આ અંગે ગાંભોઇ પોલીસને જાણ કરાતાં પોલીસ ઘટવાસ્થળે દોડી ગઈ હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે 108 સાબરકાંઠાના સુપરવાઈઝર જૈમીન પટેલે જણાવ્યું હતું કે ગાંભોઇમાં આજે સવારે 10 વાગ્યે કોલ આવ્યો હતો કે ગાંભોઈમાં GEB પાસેના ખેતરમાં નવજાત બાળકી માટીના નીચે દટાયેલા હાલતમાં મળી આવી છે. જેથી 108 એમબ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. 108 એમ્બ્યુલન્સમાં બાળકીની સારવાર શરૂ કરાઈ હતી અને BVM દ્વારા કૃત્રિમ શ્વાસ આપી નવજીવન આપવામાં આવ્યું હતું અને બાળકીને હિંમતનગર સિવિલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવી હતી.

બાળકીના બચાવ કાર્યમાં 108ના EMT પ્રકાશભાઈ પરમાર અને પાયલોટ અરખભાઈ તિરગરે મહેનત કરી બાળકીનો જીવ બચાવી ઉમદા કામગીરીનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તો આ અંગે ગાંભોઇ પોલીસ સ્ટેશનના પીએસઆઈ સી.એફ.ઠાકોરે જણાવ્યું હતું કે જીઈબી પાસેના હિતેન્દ્રસિંહના ખેતરમાં નવજાત જીવત શિશુ મળી આવ્યું હતું, જેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યું છે અને તપાસ હાથ ધરવામાં આવી છે. આ નવજાત જીવિત શિશુને બહાર કાઢી તેની હિંમતનગર સિવિલમાં સારવાર શરૂ કરાઈ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.