
હિંમતનગર તાલુકા પંચાયતમાં ટેકેદારો સાથે પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ઉમેદવારી પત્રો ભરાયા
અઢી વર્ષ પૂર્ણ થવાને લઈને ભાજપ દ્વારા પ્રમુખ અને ઉપ પ્રમુખ પદ માટેના નામોની જાહેરાત બુધવારે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ભાજપના સભ્યોની બેઠકમાં નામો જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મેન્ડેટવાળા ઉમેદવારોએ ટેકેદારો સાથે ઉમેદવારી પત્ર ભર્યું હતું. આવતીકાલે ખાસ સામાન્ય સભામાં પ્રમુખ અને ઉપ પ્રમુખના નામોની વિધિવત જાહેરાત થશે.
સાબરકાંઠા જિલ્લા પંચાયત અને હિંમતનગર, ઇડર, વડાલી, ખેડબ્રહ્મા, પોશીના, વિજયનગર, તલોદ અને પ્રાંતિજ તાલુકા પંચાયતમાં અઢી વર્ષ પૂર્ણ થવાને લઈને ભાજપ દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા લેવાઈ હતી. ત્યારબાદ નામોની પેનલ પાર્લામેન્ટરી બોર્ડમાં પહોંચ્યા બાદ બુધવારે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં જીલ્લા ભાજપના સંગઠનના હોદ્દેદારો બંધ કવર લઈને પહોંચ્યા હતા. ત્યારબાદ ભાજપના તમામ સભ્યોની બેઠક યોજાઈ હતી. જેમાં પક્ષની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને ત્યારબાદ પ્રમુખ-ઉપ પ્રમુખ, કારોબારી અધ્યક્ષ અને પક્ષના નેતાના નામની જાહેરાત કરવામાં આવી હતી. પ્રમુખ અને ઉપ પ્રમુખ પદ માટે ભાજપના મેન્ડેટ આપેલ ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો જિલ્લા પંચાયતમાં અને તાલુકા પંચાયતમાં ભર્યા હતા. જોકે બપોરે 11થી 2 વાગ્યા સુધી ઉમેદવારી પત્રો ભરવાનો સમય હતો. સાંજે 6 વાગ્યા સુધીના સમયમાં ઉમેદવારી પત્રો પાછા ખેચવાનો સમય છે.હિંમતનગરમાં જિલ્લા પંચાયતમાં પ્રમુખના ઓફિસમાં બુધવારે બપોરે 11 વાગે ભાજપના સંગઠનના હોદ્દેદાર બંધ કવર લઈને પહોંચ્યા બાદ સભ્યોની બેઠક યોજાઈ હતી અને પ્રમુખ પદ માટે ભારતી મહેન્દ્રભાઈ પટેલ અને ઉપ પ્રમુખ પદ માટે તારાબા લાલસિંહ ઝાલા, કારોબારી અધ્યક્ષ તરીકે સોમજી નાનજીભાઈ ખેર અને પક્ષના નેતા તરીકે અમૃત શામળભાઈ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. તો પ્રમુખ અને ઉપ પ્રમુખ માટે ઉમેદવારોએ ટેકેદારો અને સભ્યો સાથે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું.