
સાબરકાંઠાના ઈડરમાં ખેતરમાંથી અર્ધ સળગેલી હાલતમાં યુવતીનો મૃતદેહ મળ્યો
સાબરકાંઠાના ઈડરના ચિત્રોડા, નરસિંહપુરા અને પૃથ્વીપુરા ત્રણ રસ્તા નજીક એરંડાના ખેતરની વાડમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. જેમાં કોઈ અજાણી યુવતીની હત્યા કરી મૃતદેહને સળગાવવાનો પ્રયાસ કર્યો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જે યુવતીનો અર્ધ સળગેલો મૃતદેહ મળી આવ્યો છે તેની ઉંમર લગભગ 20 વર્ષ જેટલી હોવાનું અનુમાન પોલીસ દ્વારા લગાવવામાં આવ્યું છે. અજાણી યુવતીનો અર્ધ સળગેલી હાલતમાં મૃતદેહ મળતાં લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. આ સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
ઘટના સ્થળે એલ.સી.બી, એસ.ઓ.જી., ઈડર ડી.વાઈ.એસ.પી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. સાથે જ ફોરેન્સિક ટીમને સાથે રાખી ધટનાસ્થળનું પંચનામુ કરવામાં આવ્યું હતું અને ડોગ સ્કોર્ડ એફએસએલ દ્વારા સ્થળની તપાસ કરી કાર્યવાહી હાથ ધરી છે. અર્ધ સળગેલી હાલતમાં મૃતદેહ મળતા પોલીસે તેની ઓળખ કરવા પ્રયાસ હાથ ધર્યા છે. જાદર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમો સામે હત્યાનો ગુનો નોંધી પેનલથી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ સહિતની કામગીરી હાથ ધરી છે. તો બીજી બાજુ પોલીસે સમગ્ર મામલે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ઘરી ઘટના પાછળનું કારણ અને આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.