
પ્રાંતિજના વાઘરોટા ગામે રાજસ્થાન લગ્નમાં ગયેલા બે ભાઈઓના ઘરમાં આગ લાગી
પ્રાંતિજ તાલુકાના વાઘરોટા ગામમાં બુધવારે મોડી રાત્રે બે મકાનોમાં કોઇ અગમ્ય કારણોસર અચાનક આગ લાગતા ઘરમાં રહેલા સામાન સહિત અન્ય જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ બળીને ભસ્મ થઇ ગઇ હતી. સ્થાનિક લોકોએ પ્રાંતિજ ફાયર બ્રીગેડને જાણ કરતા પાણીનો મારો ચલાવી બન્ને ઘરોમાં લાગેલી આગને કાબુમાં લેવામાં આવી હતી.
આ અંગેની વિગત એવી છે કે પ્રાંતિજ તાલુકાના વાઘરોટા ગામના મોહન પ્રજાપતિ અને દેવીલાલ પ્રજાપતિ પોતાના પરિવાર સાથે રાજસ્થાન લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. તે દરમિયાન બુધવારે મોડી રાત્રે કોઇ અગમ્ય કારણોસર આગ લાગતા આગના ગોટેગોટા ઉડ્યા હતા અને સ્થાનિક લોકોએ બુમાબુમ કરી ઘરની બહાર નિકળી પાણીનો મારાનો છંટકાવ કર્યો હતો. તેમ છતાં આગ પર કોઇ કાબુ મેળવી શકાયો ન હતો.
આખરે પ્રાંતિજ ફાયર બ્રીગેડની ટીમને જાણ કરવામાં આવતા પાણીનો મારો ચલાવી આગાને કાબુમાં લેવામાં આવી હતી. જે અંગે મોહન પ્રજાપતિએ ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે અમે અમારા પરિવાર સાથે રાજસ્થાન લગ્ન પ્રસંગમાં ગયા છીએ અને કયાં કારણોસર આગ લાગી હશે તે ખબર નથી. પરંતુ પડોશીઓએ જણાવ્યું તે મુજબ ઘરમાં રહેલી તમામ ઘરવખરીની ચીજવસ્તુઓની સામગ્રી બળીને નાશ પામી છે.