
હિંમતનગરના શામળાજી હાઇવે પર ભંગારના ગોડાઉનમાં આગ લાગી
હિંમતનગરના શામળાજી હાઇવે રોડ પર આવેલા એક ભંગારના ગોડાઉનમાં રાખેલા વેસ્ટ પેપરના જથ્થામાં કોઇ અગમ્ય કારણોસર આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. જોકે હિંમતનગર ફાયર બ્રીગેડની ટીમને જાણ થતા સતત 7 કલાક 40 હજાર લીટર પાણીનો મારો ચલાવીને મોડી રાત્રે આગ બુઝાવી હતી.
આ અંગેની હિંમતનગરના શામળાજી હાઇવે પર સર્વોદય હોટલના સામે આરતી એન્ટરપ્રાઇઝના જગદીશકુમાર મગનીરામ ખટીકનું ગોડાઉન આવેલું છે. જેમાં વેસ્ટ પેપર સહિત જુનો ભંગારનો જથ્થો રાખવામાં આવ્યો હતો. ગઈકાલે બપોરે કોઇ અગમ્ય કારણોસર ગોડાઉનમાં આગ લાગતા વેસ્ટ પેપરનો જથ્થો સહિત અન્ય માલ બળીને ખાખ થઇ ગયો હતો અને ધુમાડાના ગોટેગોટા ઉડતા હિંમતનગર ફાયર બ્રીગેડની ટીમને બપોરે 2.40 વાગ્યે જાણ કરવામાં આવી હતી.
ફાયર ઓફિસર દિગ્વિજયસિંહ ગઢવી સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને રાત્રે 8.20 કલાક દરમિયાન બે ફાયર ફાઈટર વડે આગ બુઝાવવાનું શરૂ કર્યું હતું. જેમાં વોટર બ્રાઉઝર બે વાર અને મીની ફાયરમાં વાર 40 હજાર લીટર પાણી ભરીને પાણીનો મારો ચલાવી રાત્રે આગ બુઝાવી હતી.