
હિંમતનગરના મોતીપુરામાં બંધ ગોડાઉનમાં લાગી આગ
મોતીપુરા વિસ્તારમાં કડીવાલા પેટ્રોલ પંપની પાછળના ભાગે આવેલી રિશી શક્તિ બિયારણના ગોડાઉનમાં બિયારણની 50 કિલોની ખાલી પ્લાસ્ટિકની બેગો બંધ ગોડાઉનમાં મૂકી રાખી હતી. જેમાં અંદાજીત 500 થી વધુ બેગો હતી. જે બંધ પડી રહેલા ગોડાઉનમાં રવિવારે સાંજે આકસ્મિક આગ લાગી હતી. પ્લાસ્ટીકની બેગના કારણે જોતજોતામાં આગ વધુ પ્રસરી હતી. જેને લઈને હિંમતનગર ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મીની ફાયર ફાયટર સાથે ઘટના સ્થળે પહોંચેલી ફાયર વિભાગે 2 હજાર લીટર પાણીનો મારો ચલાવી દોઢ કલાકમાં ભારે જહેમત બાદ આગ બુઝાવી હતી.
આ અંગે ઇન્ચાર્જ ફાયર ઓફિસર રાજેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, મોતીપુરા વિસ્તારમાં પરેશ શીવાભાઈ પટેલના બંધ ગોડાઉનમાં આગ લાગ્યાનો કોલ આવ્યો હતો. જ્યાં ફાયર વિભાગે પહોંચી આગ બુઝાવી હતી.