
આરસોડિયામાં મહિલાઓએ દારૂના અડ્ડા પર હલ્લાબોલ કરી દારૂ ઢોળ્યો
ઈડરના આરસોડિયામાં ગતરોજ મહિલાઓ રણચંડી બની હતી અને દારૂના અડ્ડા પર હલ્લાબોલ કરી કાંખમાં બાળક અને માથે દારૂના ડબ્બા મૂકી તમામ દારૂ ઢોળી દીધો હતો. મહિલાઓએ આક્રોશ ઠાલવ્યો કે ગામમાં દારૂડિયા દારૂ પીને અમને મારઝૂડ બહુ કરે છે અને પૈસાના બગાડની વાત કરીએ તો શાકભાજીના પૈસા મળે છે ને અમારે પણ દારૂ પીવા જોઈએ એવો જવાબ આપે છે ખુલેઆમ દારૂ વેચાવા છતાં અને જાદર પોલીસને જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી.
પોલીસનો જમાદાર માત્ર હપ્તા લેવા આવે છે રોજ પોલીસની ગાડી પણ આવે છે પરંતુ દારૂના અડ્ડા દેખાતા નથી પોલીસ કામ કરતી નથી એટલે અમારે જાતે ડબ્બા માથે કરી ઢોળી દેવા પડ્યા છે આરસોડિયા ગામમાં હવે દારૂડિયો કે દારૂનો અડ્ડો ન જોઈએ. અમારે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી જવું પડશે તો પણ જઈશું. મહિલાઓના આક્રોશે પોલીસની મથરાવટીના લીરેલીરા કરી દીધા છે.