
હિંમતનગરના ઇન્દ્રનગર માં 10 દિવસીય ગણપતિ ઉત્સવ સમૂહ આરતી અને ગરબા યોજાયા
હિંમતનગરના ઇન્દ્રનગર-C માં ગણેશ ચતુર્થીએ વાજતે ગાજતે સાત ફૂટના ગણપતિની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું હતું. નવમી રાત્રે સમૂહ આરતી અને ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં રહીશો ઉપસ્થિત રહ્યા હતા.તો આજે બપોર બાદ વિસર્જન શોભાયાત્રા યોજાશે.આ અંગેની વિગત એવી છે કે,હિમતનગરના ઇન્દ્રનગર-C માં ગણેશ યુવક મંડળ ધ્વારા પ્રથમવાર ગણપતિ ઉત્સવનું આયોજન કર્યું હતું અને વાજતે ગાજતે ગણપતિની સાત ફૂટની રામ સાથે ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી ત્યારબાદ દરરોજ સવારે અને રાત્રે યજમાનો ધ્વારા પૂજન,અર્ચન અને આરતી કર્યા બાદ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.
દરમિયાન બજરંગ દળ ધ્વારા ગણેશજીના ચિત્રોમાં કલર પુરવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિસ્તારના બાળકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. બીજી તરફ 10 દિવસ સ્થાપિત કરેલા ગણેશજીની ગુરુવારે બપોર બાદ વિસર્જનની શોભાયાત્રા નીકળશે અને હાથમતી નદીમાં વિસર્જન કરવામાં આવશે.ત્યારે બુધવારે નવમાં દિવસની રાત્રે સમૂહ આરતી યોજાઈ હતી જેમાં ઇન્દ્રનગર-C ના રહીશોએ ઘરેથી આરતી તૈયાર કરીને લાવ્યા હતા અને સમૂહ આરતી કરી ધન્યતા અનુભવી હતી.ત્યારબાદ યુવાન-યુવતીઓ અને વડીલો મોડી રાત સુધી ગરબે ઘૂમ્યા હતા.તો 10 દિવસના આયોજનમાં મોટી સંખ્યામાં સૌ યુવાનો અને રહીશોએ યથાશક્તિ મદદ કરી મંડળનો ઉત્સાહ વધાર્યો હતો.રાત્રે ભવ્ય આતશબાજી પણ કરવામાં આવી હતી અને ગણપતિ ઉત્સવમાં મદદ કરનારા યુવાન અને રહીશોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.