
હિંમતનગરમાં ગણેશ મહોત્સવમાં 962 લોકોએ કેમ્પનો લાભ લીધો
હિંમતનગરના મહાવીરનગર વિસ્તારમાં હરિઓમ સોસાયટીમાં શ્રી સિદ્ધિવિનાયક મંદિર પાસે સતત 30માં વર્ષે સાત દિવસના ગણપતિ ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે રવિવારે નિશુલ્ક મેગા મેડિકલ ચેકઅપ કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 962 લોકોએ કેમ્પનો લાભ લીધો હતો, તો 21 સ્વયં સેવકોએ રક્તદાન કર્યું હતું.આ અંગેની વિગત એવી છે કે, શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર હરિઓમ સોસાયટી ખાતે ૩૦માં ગણપતિ મહોત્સવ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈને ચાલી રહેલ સેવા સપ્તાહ નિમિત્તે મેગા મેડિકલ ચેકઅપ કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પ, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ ચેકઅપ કેમ્પનું શ્રી ગણેશ યુવક સેવા મંડળ, લાયન્સ ક્લબ ઓફ હિંમતનગર ડિવાઇન અને ભાજપ ડોક્ટર સેલ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારે સવારથી બપોર દરમિયાન કેમ્પમાં 962 દર્દીઓની નિ:શુલ્ક તપાસ કરી હતી અને નિ:શુલ્ક દવાઓ પણ આપવામાં આવી હતી. સાથે 300 લોકોને પ્રોટીનના ડબ્બા મફત આપવામાં આવ્યા હતા. તો રક્તદાન કેમ્પમાં 21 સ્વયં સેવકોએ રક્તદાન કર્યું હતું.
આ કેમ્પમાં હિંમતનગર શહેરના ઓર્થોપેડિક સર્જન ડોક્ટર પલ્લવ પટેલ, ડેન્ટલ સર્જન ડોક્ટર જૈનિકા પટેલ, સ્ત્રી રોગ નિષ્ણાત ડોક્ટર આકાશદીપ પરમાર, ચામડીના રોગોના નિષ્ણાત ડોક્ટર કૌતુક પટેલ, ડોક્ટર પ્રિયા પટેલ, આંખોના ડોક્ટર પી.ડી.પરમાર, જનરલ ફિઝિશિયન ડોક્ટર ભાવેશ.એન.શાહ, હોમિયોપેથિક નિષ્ણાંત ડોક્ટર કૌશિક રાવલ તથા ડાયાબિટીસ બ્લડપ્રેશર ચેકઅપ કેપ ઇન્ડિયા રિનલ ફાઉન્ડેશનના જયેશ પટેલ તથા બ્લડ ડોનેશન કેમ્પ રેડક્રોસ સોસાયટી હિંમતનગરના સહયોગથી યોજવામાં આવ્યો હતો.આ કેમ્પમાં હિંમતનગર વિધાનસભાના ધારાસભ્ય વી.ડી.ઝાલા, હિંમતનગર શહેર પ્રમુખ વાસુદેવ રાવલ, મહામંત્રી જયેશ પટેલ, હિંમતનગર નગરપાલિકાના ઉપપ્રમુખ સવજી ભાટી તથા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ યતીનબેન મોદી, કારોબારી અધ્યક્ષ જીનલ પટેલ, નગરપાલિકાના સદસ્ય શિલ્પા પટેલ, ભાજપ જિલ્લા ડોક્ટર સેલના ડૉ. રાજુ નાયક, શહેર ડોક્ટર સેલના ડોક્ટર સી.ડી.પટેલ, ડો.કુરિયન ગોસ્વામી, ડોક્ટર જગદીશ નાયક,ડો.સમીર શાહ ડૉ.દેવરાજસિંહ ચૌહાણ, ડૉ.આતિશ મહેતા સહિત ભાજપના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમમાં શ્રી ગણેશ યુવક સેવા મંડળના પ્રમુખ તથા લાયન્સ રીજીયન ચેરપરસન બ્રિજેશ પટેલ તથા લાયન્સ ક્લબ ઓફ હિંમતનગર ડિવાઇનના પ્રમુખ નીતિન પરમાર અને સદસ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.